રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામે શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી સવારે ભુજ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. અહીં તેમણે કચ્છમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે પ્રાકૃતિક ખેતી શરૂ ખેડૂતોને સંકલ્પબદ્ધ કર્યા હતા. આ સાથે પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.
પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં ઝેરી યુરીયા, ડીએપી તથા જતુંનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ બિમારી વધી રહી છે. ટુંકા સમયના ફાયદા માટે આપણે પર્યાવરણ અને માનવજાતને નુકશાન પહોંચાડી અપરાધ કરી રહ્યા છીએ. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થરસમાન બની થઇ છે, હવામાં ઝેરી તત્વો સાથે ભુર્ગભ પણ જળ દૂષિત બન્યા છે. આમ, સમગ્ર પર્યાવરણ અને માનવજાત સામે મોટું સંકટ ઉભું થયું છે. ત્યારે ધરતીપુત્રોએ જીવન હરનાર નહીં પરતું ખરાઅર્થમાં જીવનદાતા બનીને આ પાપથી મુક્ત બનવા કમર કસવી જોઇએ. સમગ્ર સમાજ અને પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલશ્રીએ કચ્છના અન્ય પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ઝીરો બેજટ ખેતી છે, સમય સાથે ઉત્પાદન બમણું થવા ઉપરાંત જમીન ફળદ્રુપ થાય છે તેમજ ઓછા પાણીએ ખેતી કરવી શક્ય છે. તેમણે પ્રાકૃતિક ખેતી માટે અળસિયા તેમજ સુક્ષ્મ જીવાણુંની જરૂરીયાત તથા જીવામૃત અને ઘનજીવામૃત અંગે માહિતી આપતા ગાય આધારિત ખેતી કરવા પર ભાર મુક્યો હતો.
રાજ્યપાલે રાસાયણિક ખેતી થકી આજે દેશનું ધન વિદેશમાં ચાલ્યું જતું હોવાનું જણાવીને વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય કૃષિ મિશનમાં સહભાગી બનવા હાકલ કરી હતી. કચ્છના ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના માત્ર એક ભાગથી પ્રયોગાત્મક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ થઇને દર વર્ષે તેમાં વધારો કરતા જવા હાકલ કરી હતી. તેમણે રાસાયણિક ખેતીની વિનાશકારી અસરો અંગેના કેટલાક સંશોધનોનો ઉલ્લેખ કરીને માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યા અંગે ચિંતા વ્યકત કરી હતી. આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતા અટકાવવા પ્રાકૃતિક ખેતીના વિકલ્પને અપનાવવા પર ભાર મુક્યો હતો.
રાજ્યપાલશ્રીએ પોતાના હરિયાણા, કુરુક્ષેત્રની જમીનમાં પ્રાકૃતિક ખેતીના સફળ પરિણામ તથા હિમાચલ પ્રદેશમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જોવા મળેલા અભૂતપૂર્વ પરીણામનો ઉલ્લેખ કરતા કચ્છના ખેડૂતોને કોઇપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક વગર કઇ રીતે સફળ પ્રાકૃતિક ખેતી કરાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ખેડૂતોને ઉત્પાદન ઘટવાની ભ્રાંતિમાંથી બહાર નિકળવા કચ્છના સફળ પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લઇ પોતાનો વિશ્વાસ દઢ સૂચન કર્યું હતું.
દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ ગાયને ખેતી માટે વરદાનરૂપ ગણાવીને તેના ગોબર અને મુત્ર પણ પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન હોવાનું જણાવતા દુધના માધ્યમથી આવક વધારવા ખેડૂતોને ઉન્નત ઓૈલાદની ગાય લેવા તથા આધુનિક ટેક્નોલોજીની મદદથી બ્રીડીંગ કરવા જણાવ્યું હતું.
પરિસંવાદમાં કચ્છના પ્રગતિશીલ ખેડૂતો રતિલાલ શેઠીયા તથા મનોજભાઇ સોંલકીએ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ સફળ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો સાથે જરૂરી માહિતી પુરી પાડી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન કરવા હાકલ કરી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે ત્યારે ખેડૂતોએ આ મિશનને સફળ બનાવવા યોજનાઓનો લાભ લઇને માનવજાત અને પર્યાવરણની ચિંતા કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાંના રાયણપર (પસાયતી)ના સરપંચશ્રી મંજુલાબેન મહેશ્વરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતાં.