માધાપરમાં માનવતાને શરમાવે તેવી દર્દનાક ઘટના : પિતા અને સગી માતાએ બે વર્ષની બાળકી પર ગુજાર્યો અત્યાચાર

ભુજનાં માધાપરમાં માનવતાને શરમાવે તેવી દર્દનાક ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાવકા પિતા અને સગી માતાએ મળીને બે વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર ગુજાર્યો છે બન્ને આરોપીની ધરપકડ કરાઇ છે. આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે, પાડોશી મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી પિતા અને સગી માતાએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી બે વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારાવામાં તમામ હદ પાર કરી હતી. સાવકા પિતાએ બાળકીને પકડી તેનું માથું દીવાલ સાથે જોરથી પછાડી દેતાં કપાળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી. આટલું જ નહીં આરોપીએ બાળકીને બીડીના ડામ દીધા હતા અને બચકાં પણ ભર્યાં હતાં. આ ક્રૂર અત્યાચારમાં સગી માતાએ પણ પુત્રીને બચાવવાના બદલે તેને માર મારી પતિનો સાથ આપ્યો હતો.આ દર્દનાક બનાવ અંગે માધાપર પોલીસે ગંભીરતા દાખવી બન્ને આરોપી સામે હત્યાનો પ્રયાસ, પોકસો, જાતિય ગુનાઓ સામે બાળકોનું રક્ષણ, બાળકો પ્ર્રત્યે ક્રૂરતા જેવી કલમો તળે ગુનો નોંધી કરી તપાસ હાથ ધરી હતી.