ટ્રમ્પની રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે વધાર્યું સસ્પેન્સ

મિડલ ઈસ્ટ માં ચાલી રહેલા ભારે તણાવ અને હોર્મુઝની સમુદ્રી સરહદે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકાઓ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે સમગ્ર વિશ્વમાં નવી અટકળો અને ચર્ચાઓ જગાવી છે. મળતી વિગતો અનુસાર પ્રમુખ ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક અત્યંત રહસ્યમય અને યુદ્ધના સંકેતો આપતી તસવીર શેર કરી છે.

ટ્રમ્પે શેર કરેલી AI જનરેટેડ તસવીરમાં અમેરિકા અને ઈરાનના યુદ્ધજહાજ સમુદ્રમાં સામસામે નૌસૈનિક ટકરાવની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ ફોટોના કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું છે કે, “આ વાવાઝોડા પહેલાની શાંતિ હતી.” તસવીરમાં ટ્રમ્પ પોતે આક્રમક મુદ્રામાં એક વોરશીપ પર ઉભેલા દેખાય છે, તેમની પાછળ અમેરિકન નૌસેનાના અધિકારીઓ છે, જ્યારે સામે ઈરાની ઝંડાવાળા જહાજો છે. આકાશમાં વીજળીના કડાકા અને સમુદ્રમાં પ્રચંડ મોજા ઉછળતા જોવા મળે છે. આ યુદ્ધ જહાજ વાળી પોસ્ટ મૂક્યાના થોડા જ સમયમાં ટ્રમ્પે વધુ એક ચોંકાવનારો ફોટો શેર કર્યો હતો. આ બીજી તસવીરમાં ટ્રમ્પ કોઈ હાઈ-ટેક ‘સ્પેસ વોર રૂમ’ જેવી જગ્યાએ ઉભા રહીને મોટી સ્ક્રીનો પર ગંભીરતાથી સ્થિતિ પર નજર રાખતા જોઈ શકાય છે. આ ફોટો સાથે તેમણે કેપ્શનમાં માત્ર ‘સ્પેસ ફોર્સ’ (Space Force) લખ્યું છે. પ્રમુખએ આ બંને પોસ્ટ સાથે કોઈ વધારાની સ્પષ્ટતા કરી નથી, જેને કારણે આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો તેને ઈરાન માટે ખૂબ જ ગંભીર અને સીધી સૈન્ય ચેતવણી માની રહ્યા છે.