ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર પ્રતિબંધોની છૂટને લંબાવવાનો ઇન્કાર કર્યો
copy image

વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ભારત સહિત વિશ્વને વધુ એક તેલ આંચકાનો ભય છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર પ્રતિબંધોની કામચલાઉ છૂટને લંબાવવાનો ઇન્કાર કર્યો છે. આ છૂટ હવે 16 મેની સમયમર્યાદા પછી સમાપ્ત થઈ ગઈ છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં સંઘર્ષ વચ્ચે ઊર્જા સુરક્ષા માટે સસ્તા રશિયન તેલ પર નિર્ભર એવા ભારત અને ઈન્ડોનેશિયા જેવા દેશો માટે મોટો ફટકો લાગ્યો છે. આ કટોકટીનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા માટે વાશિંગ્ટને સૌપ્રથમ માર્ચમાં એક ખાસ છૂટ આપી રશિયન તેલ ટેન્કરો પાસેથી ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે પહેલાંથી જ લોડ થઈ ચૂક્યા હતા. બાદમાં આયાત કરનારા દેશોના દબાણ હેઠળ, યુએસ નાણા વિભાગે એપ્રિલમાં આ છૂટ 16 મે સુધી લંબાવી હતી. હવે આ છૂટ લંબાવવાનો અમેરિકાએ ઈન્કાર કર્યો હોવાના અહેવાલ સામે આવ્યો છે. ભારત તેની તેલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રશિયાના યુરલ્સ ગ્રેડ તેલનો ઉપયોગ વિકલ્પ તરીકે કરી રહ્યું હતું. અમેરિકાના આ નિર્ણયની ભારત પર મોટી અસર પડી શકે છે.