બદલાતી જીવનશૈલી વચ્ચે વધતી મેદસ્વિતા : હવે જાગવાનો સમય “આરોગ્ય જ સાચી સંપત્તિ… અને ફિટનેસ જ ભવિષ્યની સુરક્ષા.”

 સવારે વહેલા ઉઠીને ચાલવાની અને ખેતર-મહેનતથી ભરેલું જીવન જીવતી પેઢી હવે ધીમે ધીમે સ્ક્રીન સામે કલાકો પસાર કરતી પેઢીમાં બદલાઈ રહી છે. જીવન સરળ બન્યું છે, પરંતુ શરીર માટેની મુશ્કેલીઓ વધી રહી છે. આજના સમયમાં મેદસ્વિતા માત્ર શહેરોની સમસ્યા નથી રહી, પરંતુ ગામડાં અને નાના શહેરોમાં પણ ઝડપથી ફેલાતી આરોગ્ય ચિંતા બની રહી છે.

          ખાસ કરીને બાળકો અને યુવાઓમાં વધતું વજન આરોગ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. શાળાઓમાં રમતગમતનું પ્રમાણ ઘટતું જાય છે, જ્યારે મોબાઈલ ગેમ્સ, ફાસ્ટફૂડ અને બેઠાડું જીવન વધતું જાય છે. પરિણામે નાની ઉંમરે જ થાક, આળસ, બ્લડપ્રેશર અને શુગર જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

         ડોક્ટરોના જણાવ્યા અનુસાર મેદસ્વિતા શરીરમાં ધીમે ધીમે અનેક ગંભીર બીમારીઓને જન્મ આપે છે. હાર્ટ સંબંધિત રોગો, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનું મૂળ કારણ વધતું વજન બની રહ્યું છે. ઘણા લોકો તેને માત્ર દેખાવ સાથે જોડે છે, પરંતુ હકીકતમાં તે શરીરની અંદર વધતું જોખમ છે.

          કચ્છ જિલ્લામાં પણ હવે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ખાસ કરીને યુવાપેઢીમાં “ફિટનેસ”ને ફેશન નહીં પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે. કારણ કે આજની બેદરકારી આવતીકાલે હોસ્પિટલના દરવાજા સુધી પહોંચાડી શકે છે.

         આરોગ્ય નિષ્ણાતો માને છે કે રોજિંદા જીવનમાં નાના ફેરફારો મોટું પરિણામ આપી શકે છે. જેમ કે લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ, દરરોજ ચાલવાની ટેવ, ઘરેલું અને પૌષ્ટિક ભોજન, ખાંડ અને તેલવાળા ખોરાકમાં ઘટાડો અને પૂરતી ઊંઘ.

         બાળકો માટે પણ માતા-પિતાની જવાબદારી વધે છે. જો બાળપણથી જ યોગ્ય ખોરાક અને રમતગમતની ટેવ અપાશે, તો ભવિષ્યમાં અનેક બીમારીઓથી બચી શકાશે.

         ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો મુખ્ય હેતુ પણ લોકોમાં આ જ જાગૃતિ લાવવાનો છે કે સ્વસ્થ જીવનશૈલી જ સૌથી મોટી દવા છે. સરકારના પ્રયાસો ત્યારે જ સફળ બનશે જ્યારે સમાજ પોતે બદલાવ સ્વીકારશે.

         આજે જરૂર છે શરીરને સમય આપવાની…  કારણ કે પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મેળવવું સૌથી મુશ્કેલ છે.“સ્વસ્થ નાગરિક જ મજબૂત સમાજનું નિર્માણ કરે છે.