રૂ.૯૪.૩૦ કરોડના ખર્ચે રોડની કામગીરી પૂર્ણ થયા બાદ ભુજમાં ટ્રાફિક તથા ભારે વાહનોને કારણે થતા અકસ્માતો નિવારી શકાશે
વર્ષ ર૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ ગુજરાત સરકારના જીયુડીસી વિભાગ દ્વારા વર્ષ ર૦૦પમાં ભુજ શહેરમાં નવા રસ્તાઓ (રીંગરોડ) બનાવવામાં આવ્યા હતા. જે વર્તમાન સમયમાં માર્ગ અને મકાન વિભાગને તબદીલ કરવામાં આવ્યા બાદ હાલે ૧૪ રસ્તાઓ પૈકી ૯ રસ્તાઓ પર રીસર્ફેસીંગ અને વાઈડનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકીના રસ્તાના કામની પ્રક્રિયા પ્રગતિમાં છે.
જીયુડીસી વિભાગ દ્વારા ભુજ શહેરમાં બનેલા રસ્તાઓ (રીંગરોડ)ના મરામત અને જાળવણી બાબતે દર વખતે પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાથી ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા અસરકારક રજુઆત કરતા મુખ્યમંત્રીશ્રી દ્વારા આ રસ્તોઓની મરામત અને જાળવણી માર્ગ અને મકાન વિભાગને તબદીલ કરવામાં આવી છે.
જેના પરીણામે આ રસ્તાઓના વાઈડનિંગ અને રીસર્ફેસીંગની કામગીરી માટે રૂા. ૯૪.૩૦ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવી છે. ૯ માસની સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ હાલે કુલ ૧૪ રસ્તાઓ પૈકી ૯ રસ્તાઓ પર રીસર્ફેસીંગ અને વાઈડનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, જયારે બાકી રહેતા પ રસ્તાઓની કામગીરી નિયત સમય મર્યાદામાં તેમજ ટેન્ડર જોગવાઈ મુજબ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરી વિભાગ દ્વારા સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ભુજ શહેરના રીંગરોડની કામગીરી પૂર્ણ થયા બાદ ભુજ શહેરમાં વધી રહેલા ટ્રાફિક સમસ્યામાં રાહત થશે અને ભારે વાહનોને કારણે થતા અકસ્માતો પણ નિવારી શકાશે.