“સત્યમેવ જયતે”, દિયોદર તાલુકા પંચાયતમાં લોકશાહી અને જનતાના જનાદેશનો વિજય ભાજપના અહંકારનો પરાજય : શ્રીઅમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે,દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ તથા ઉપપ્રમુખની  ચૂંટણીમાં સરકારી તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી, વહીવટી અવરોધો ઊભા કરીને અને કોંગ્રેસના સભ્યોને હેરાન કરીને જનાદેશને કચડી નાખવાના ભાજપના તમામ સરમુખત્યારશાહી પ્રયાસો  ધ્વસ્ત થયા છે. ભાજપ દ્વારા તંત્રનો ઉપયોગ કરી કરવામાં આવેલી તમામ કનડગત અને દબાણો સામે અડગ રહીને આજે કોંગ્રેસની અતૂટ એકતાનો ભવ્ય વિજય થયો છે અને સત્તાના અહંકારનો પરાજય થયો છે. ભાજપ નેતા અને અધિકારીની મિલીભગતના કારણે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા મહિલા સભ્ય પ્રેગેન્ટ હોવા છતા તેમને ખુબ હેરાન કરવામાં આવ્યા હતા. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના 12 સભ્ય અને ભાજપ પાસે  ચૂંટાયેલા 10 સભ્ય હતા. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમત હોવા છતા ભાજપ દ્રારા નિમન કક્ષાની રાજનિતી કરી લોકશાહીનું હનન કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોને તોડિ પાડવા માટે ધાક,ધમકી, દબાણ પણ કરવામાં આવ્યું હતું.

શ્રીઅમિત ભાઈ ચાવડાએ વધુમાં કહ્યું કે, દિયોદર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી પ્રભાતબાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી પાનાબેન ચાવડાની વરણી થવા બદલ તેમને ખૂબ-ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. આપ બંનેના નેતૃત્વમાં દિયોદર તાલુકાનો સર્વાંગી વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે અને પ્રજાલક્ષી કાર્યોને વેગ મળશે તેવી પૂરી આશા છે. આપનો આ નવો કાર્યકાળ ગ્રામીણ વિસ્તારના લોકોની સુખાકારી, આંતરમાળખાકીય સવલતો અને લોકકલ્યાણની યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

કારમી હારથી બૌખલાયેલી સત્તાધારી ભાજપ સરકારે હંમેશ મુજબ સરકારી તંત્ર, પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને જનાદેશને બદલવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. સત્તાના જોરે વિપક્ષી સભ્યોને ડરાવવા, ધમકાવવા અને વહીવટી પ્રક્રિયામાં અવરોધો ઊભા કરીને ભાજપે દિયોદરમાં લોકશાહીનું ચીરહરણ કર્યું છે. ભાજપની આ હીન માનસિકતા અને સરકારી મશીનરીનો આડોડાઈભર્યો ઉપયોગ લોકતાંત્રિક મૂલ્યોનો ઘાતક છે, જેની કોંગ્રેસ પક્ષ આકરા શબ્દોમાં નિંદા કરે છે.

સરકારી વહીવટી તંત્ર અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓએ બંધારણીય મર્યાદાઓ અને નૈતિકતાને નેવે મૂકીને સત્તાધારી ભાજપના કઠપૂતળી તરીકે કામ કર્યું છે તે અત્યંત શરમજનક છે. તટસ્થ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની જવાબદારી જેમના શિરે છે, તેવા જવાબદાર અધિકારીઓ જ ભાજપના ઈશારે વિપક્ષી સભ્યોને હેરાન કરવામાં અને ભાજપ પક્ષને ફાયદો પહોંચાડવામાં વ્યસ્ત રહ્યા છે. સરકારી તંત્રના આ પ્રકારના પક્ષપાતી વલણ અને સત્તાના દુરુપયોગથી સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, જે લોકશાહી શાસનવ્યવસ્થા માટે એક ગંભીર ખતરો છે.