હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંદેબ પણ થશે બંધ? ઈરાનની ધમકીથી હડકંપ
AI GENERATED IMAGE

અમેરિકા સામેનાં યુદ્ધવિરામમાં નાના-મોટા હુમલાનાં બનાવ વચ્ચે શાંતિ વાટાઘાટો ખોરંભે ચડી ગયા બાદ હવે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જેમ વિશ્વના વધુ એક મહત્વપૂર્ણ જળમાર્ગને બંધ કરવાની ચીમકી આપીને ખળભળાટ મચાવ્યો છે.મળતી માહિતી મુજબ લેબનોન પર થયેલા તાજેતરના ઇઝરાયેલી હુમલાઓથી ઈરાન ઉશ્કેરાઈને ચેતવણી આપી છે કે જો આ હુમલાઓને તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં વિનાશ નિશ્ચિત છે. આ સાથે ઈરાને બાબ અલ-મંદેબ જળમાર્ગને પણ ઠપ કરી દેવાની ખુલ્લી ધમકી આપી છે. જો ઈરાનની આ ધમકી હકીકત બનશે તો પહેલેથી જ સંઘર્ષ કરી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ ગંભીર સંકટમાં ફસાઈ જઈ શકે છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડનાં કુદ્સ ફોર્સનાં કમાન્ડરે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ઇઝરાયલ લેબનોન અને ગાઝામાં આ જ રીતે બોમ્બમારો ચાલુ રાખશે તો ઈરાન સમર્થિત એક્સિસ ઓફ રેઝીસ્ટંસ તેનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ બાબ અલ-મંદેબ ઉપર પણ હોર્મુઝની જેમ અંકુશ મેળવી લેશે. બાબ અલ-મંદેબ શું છે? : અરબી ભાષામાં બાબ અલ-મંદેબનો મતલબ અશ્રુઓનો દરવાજો થાય છે. આ એક અત્યંત સાંકડો સમુદ્રી માર્ગ છે, જે લાલ સાગર અને એડનની ખાડી વચ્ચે આવેલો છે. આ માર્ગ સ્વેજ કેનાલ મારફતે એશિયાને યુરોપ સાથે સીધો જોડે છે. ઈરાનની સરહદથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં, બાબ અલ-મંદેબનો અવરોધ વૈશ્વિક વેપારને ગંભીર અસર પહોંચાડી શકે છે. એશિયા-યુરોપ વેપારની જીવનરેખા સમાન છે.