પુતિનની ભારતને મોટી ઓફર, ચીન અને પાકિસ્તાનની ઉડી જશે ઊંઘ! ટ્રમ્પની પણ વધશે ચિંતા

copy image

copy image

ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે. મળતી માહિતી મુજબ ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.  પુતિનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય વાયુસેનાના ભાથામાં એક પણ 5th-ગ્રેડનું સ્ટીલ્થ વિમાન નથી. બીજી તરફ, પાકિસ્તાન ટૂંક સમયમાં જ ચીન પાસેથી અત્યંત આધુનિક શેનયાંગ J-35AE સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાનું હોવાની આશંકાઓ છે. ભારતનું પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન જેટ અત્યારે ડેવલપમેન્ટ હેઠળ છે, પરંતુ તે વર્ષ 2030ના દાયકાની મધ્યમાં સેનામાં સામેલ થાય તેવી અપેક્ષા છે. આ સ્થિતિમાં વાયુસેના આ ગેપને પૂરવા માટે ફાઇટર જેટની શોધમાં છે પુતિને કહ્યું કે, “અમે ભારતને આ એરક્રાફ્ટ સપ્લાય કરવા અને તેને સતત વિકસિત કરવા માટે તૈયાર છીએ. અમારી સામે એવી કોઈ અડચણ નથી. આ જ વાત એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ લાગુ પડે છે.” વ્લાદિમિર પુતિને જણાવ્યું કે રશિયાએ વર્ષ 2018ની આસપાસ પણ ભારતને Su-57 જેટ સંયુક્ત રીતે બનાવવાની ઓફર આપી હતી, જેને તે સમયે ‘ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ’ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ ભારતે તે સમયે આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લીધી હતી. પુતિને કહ્યું કે, “એક સમયે, અમે અમારા ભારતીય મિત્રોને આ ટેક્નોલોજી પર સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ત્યારે અમારા ભારતીય મિત્રોએ કહ્યું હતું કે, તમે તમારી જાતે આગળ વધો, અને પછી અમે જોઈશું, કદાચ અમે પછી જોડાઈશું. આ એરક્રાફ્ટ આપણો સંયુક્ત પ્રોજેક્ટ હોઈ શકે તેમ હતું. અમે તેને સ્વતંત્ર રીતે બનાવ્યું છે, પણ અમે આ ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવા તૈયાર છીએ.” અમેરિકાએ પણ ભારતને ફાઈટર જેટની ઓફર આપી હતી :સંરક્ષણ વર્તુળોમાં એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે ભારત હવે અમેરિકાના F-35ને બદલે રશિયન ફાઇટર જેટ પર ફરી વિચાર કરી શકે છે. નોંધનીય છે કે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને F-35ની ઓફર કરી હતી. તાજેતરમાં ઈરાનના સંઘર્ષે પણ સાબિત કરી દીધું છે કે ભવિષ્યના હવાઈ યુદ્ધમાં જે વિમાન રડારમાં પકડાતું નથી તે જ જીત નક્કી કરશે.