આગામી તા.૧૧મી જૂનથી ૨૦મી જૂન-૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષાઓ યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) ની જૂન-૨૦૨૬ પૂરક પરીક્ષાઓ તા.૧૧/૦૬/૨૦૨૬ થી તા.૨૦/૦૬/૨૦૨૬ દરમિયાન યોજાનારી છે.  આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા સરકારશ્રી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લામાં પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લિકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે પ્રતિબંધો ફરમાવ્યા છે. જેમાં આ પ્રતિબંધો ૨૧ પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૧૧/૦૬/૨૦૨૬ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૨૦/૦૬/૨૦૨૬ ના રાત્રિના ૦૮:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઊભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકશ્રીઓ, બિલ્ડીંગના કન્ડક્ટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે, વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા નહીં.

આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને તેમજ પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યક્તિને એકત્રિત થવાની જોગવાઈ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.