કચ્છ જિલ્લામાં ૦૮ થી ૧૪ જૂન દરમિયાન ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના દિશાનિર્દેશો મુજબ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ વિકાસની પ્રક્રિયામાં નાગરિકોની વ્યાપક લોકસહભાગીતા વધારવાના હેતુથી કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારું આયોજન અને અમલીકરણ માટે કચ્છ જિલ્લા કલેક્ટશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં આગામી તા. ૦૮ જૂન થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લા સ્તરે યોજાનારી ‘પ્રગતિપથ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંગેની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. નાગરિકો આ કાર્યક્રમોના ઉદ્દેશ્યને સચોટ રીતે સમજી શકે અને તેમાં ઉત્સાહભેર જોડાઈ શકે તે માટે કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા દ્વારા સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રકલ્પો અને વિકાસ કાર્યોથી નાગરિકો માહિતગાર થાય તે માટે ૦૮ જૂન થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં કચ્છ જિલ્લાના અંદાજે ૧૨ જેટલા વિકાસલક્ષી અને ઉત્કૃષ્ટ સ્થળોને આવરી લેવામાં આવશે. આ મુલાકાત બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ જિલ્લાના ૮-૧૦ લોકોના જૂથમાં ઉત્કૃષ્ટ સ્થળોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં જિલ્લાના વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો માટે મુલાકાત ગોઠવવામાં આવી છે.
રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવા અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાકક્ષાએ એક પ્રબુદ્ધ સંમેલન એટલે કે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે. આ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમાં પદ્મ એવોર્ડ વિજેતાઓ, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, રાજ્ય સરકાર દ્વારા સન્માનિત વ્યક્તિઓ, શ્રેષ્ઠ શિક્ષકો, કૃષિ નવોચાર એવોર્ડ પ્રાપ્ત ખેડૂતો, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સંમેલનમાં મુખ્ય મહેમાનો અને વક્તાઓ દ્વારા “બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણ” ના વિષય પર અલગ અલગ મુદ્દાઓને આવરીને વક્તવ્ય આપવામાં આવશે.
આ બંને કાર્યક્રમોના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લાકક્ષાની સંકલન સમિતિ’ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, કાર્યક્રમના સુદ્દઢ આયોજન માટે આમંત્રણ સમિતિ, વ્યવસ્થા સમિતિ, મીડિયા અને પ્રચાર સમિતિ, તેમજ સુરક્ષા સમિતિ જેવી વિવિધ પેટા સમિતિઓ બનાવવામાં આવી છે. કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ તમામ અધિકારીશ્રીઓને સોંપાયેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરીને વધુમાં વધુ નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી થાય તે માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ અનુરોધ કર્યો છે કે, આ કાર્યક્રમમાં નાગરિકો ઉત્સાહભેર જોડાઈને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે.