રશિયા-ભારત ડિફેન્સ ડીલ, પુતિને ભારત સામે મૂક્યો Su-57 ફાઇટર જેટનો મહત્ત્વનો પ્રસ્તાવ

ભારતીય વાયુસેના (IAF) લાંબા સમયથી પાંચમી પેઢીના અત્યાધુનિક સ્ટેલ્થ લડાયક વિમાનની શોધમાં છે. ભારતના પોતાના સ્વદેશી AMCA પ્રોજેક્ટમાં હજુ વિલંબ થઈ રહ્યો છે, ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત સામે એક મોટો અને મહત્ત્વનો પ્રસ્તાવ મૂક્યો છે. મળતી માહિતી મુજબ પુતિને ભારતને Su-57 સ્ટેલ્થ ફાઇટર જેટ સંયુક્ત રીતે વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવાની ઓફર આપી છે. આ ઓફર ભારત-રશિયાના સંરક્ષણ સહયોગને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાતચીત કરતા પુતિને કહ્યું હતું કે, ‘રશિયા ભારતને Su-57 વિમાન સપ્લાય કરવા, તેને વધુ અપગ્રેડ કરવા અને તેની મહત્ત્વની ટેક્નોલોજી શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ કરવા માટે રશિયાની કોઈ સીમા નથી

હાલમાં ભારતીય વાયુસેના પાસે કોઈ 5th Generation સ્ટેલ્થ વિમાન નથી, જ્યારે પાકિસ્તાન દ્વારા ચીનનું J-35AE સ્ટેલ્થ ફાઇટર વિમાન ખરીદવાની શક્યતાઓને પગલે ભારતની સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. બીજી તરફ, ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રનની સંખ્યા સતત ઘટી રહી છે. ભારતનું સ્વદેશી પાંચમી પેઢીનું વિમાન ‘AMCA’ વર્ષ 2030ના દાયકાના મધ્ય પછી જ સેવામાં આવે તેવી શક્યતા છે. આ સંજોગોમાં વાયુસેનાને એક એવા વચગાળાના ફાઇટર જેટની જરૂર છે જે દુશ્મનના સ્ટેલ્થ વિમાનો અને આધુનિક એર ડિફેન્સનો સામનો કરી શકે. રશિયાનું Su-57 આ શૂન્યાવકાશને ભરવા માટે મજબૂત વિકલ્પ છે. શું છે Su-57ની ખાસિયતો? Su-57 એ રશિયાનું સૌથી એડવાન્સ સ્ટેલ્થ ફાઇટર જેટ છે. તે અત્યંત ઝડપી હિલચાલ (મેન્યુવરેબિલિટી), ઉત્કૃષ્ટ સ્ટેલ્થ ક્ષમતા અને આધુનિક એવિઓનિક્સથી સજ્જ છે. આ એક મલ્ટી-રોલ ફાઇટર વિમાન છે જે હવામાં, જમીન પર અને દરિયાઈ લક્ષ્યો પર સચોટ હુમલો કરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતો તેને ચીનના J-35 અને અમેરિકાના F-35ની સમકક્ષ માને છે. તેમાં એડવાન્સ રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને લાંબી અંતરની મિસાઇલ લગાવી શકાય છે.
.