ધોરણ ૮ અને ૧૦ પાસ ઉમેદવારો વિવિધ ટ્રેડમાં અરજી કરીને પ્રવેશ મેળવી શકશે

રોજગારી અને સ્વરોજગારીની ઉત્તમ તકો પૂરી પાડતી આઈ.ટી.આઈ. રાપરમાં પ્રવેશસત્ર-૨૦૨૬ અંતર્ગત એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૩/૦૬/૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. આ સંસ્થામાં ધોરણ ૧૦ પાસ અને ધોરણ ૮ પાસ ઉમેદવારો માટે વિવિધ કોર્સમાં બેઠકો ઉપલબ્ધ છે. ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયનમાં ૬૦, ફિટરમાં ૪૦, સોલાર ટેક્નિશિયનમાં ૬૦, કોપામાં ૭૨ અને હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરમાં ૭૨ બેઠકો પર પ્રવેશ મેળવી શકાશે. જ્યારે ધોરણ ૮ પાસ ઉમેદવારો માટે વેલ્ડરમાં ૨૦, વાયરમેનમાં ૬૦ અને માત્ર મહિલાઓ માટે સુઇંગ ટેકનોલોજીમાં ૨૦ બેઠકો પર પ્રવેશની તક ઉપલબ્ધ છે.

એડમિશન માટે ઉમેદવારોએ જરૂરી તમામ દસ્તાવેજોની અસલ નકલ, તેની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. આ દસ્તાવેજોમાં ધોરણ ૮, ૯ કે ૧૦ ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.), જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ તેમજ જો લાગુ પડતું હોય તો શારીરિક ખોડખાંપણ કે માજી સૈનિકના આશ્રિત હોવા અંગેના પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો આઈ.ટી.આઈ. રાપર ખાતે સવારે ૦૯:૩૦થી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન રૂબરૂ જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારો જાતે સત્તાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in પર પણ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ દસ્તાવેજોના વેરિફિકેશન માટે નજીકની આઈ.ટી.આઈ. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી અનિવાર્ય છે.