દુનિયાના સૌથી શાંતિપ્રિય દેશોની યાદીમાં અમેરિકાને મોટો ફટકો:બીજા દેશોની સરખામણીએ ભારત ઘણું આગળ

વૈશ્વિક સ્તરે વધી રહેલા યુદ્ધો અને સૈન્ય સંઘર્ષોની વચ્ચે દુનિયાના સૌથી શાંતિપૂર્ણ દેશોને લઈને એક નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ યાદી મુજબ , વિશ્વના શક્તિશાળી દેશો જેવા કે અમેરિકા, રશિયા, ઇઝરાયેલ અને ઈરાનની સરખામણીએ ભારત ઘણો શાંતિપૂર્ણ દેશ સાબિત થયો છે. પાકિસ્તાન પણ શાંતિની આ યાદીમાં ભારત કરતાં ઘણું પાછળ છે. જો કે, ગયા વર્ષની સરખામણીમાં ભારતના પોતાના રેન્કિંગમાં થોડો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025માં ભારત 124માં સ્થાન પર હતું, જે આ વર્ષે ઘટીને 127 માં સ્થાન પર પહોંચી ગયું છે. વિશ્વભરમાં શાંતિની સ્થિતિ પર નજર રાખતી સંસ્થા ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ’ (IEP)ના અહેવાલ અનુસાર, આ સર્વેમાં ભારતનો સ્કોર 2.409 રહ્યો છે, અને ભારત વૈશ્વિક સ્તરે 127માં ક્રમે છે. આ યાદીમાં યુરોપનો નાનો દેશ આઇસલેન્ડ (Iceland) 1161ના સ્કોર સાથે દુનિયાનો સૌથી શાંતિપ્રિય દેશ બન્યો છે. આઇસલેન્ડ સતત છેલ્લા 19 વર્ષથી વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, હાલના દિવસોમાં મહાસત્તાઓ વચ્ચેના યુદ્ધોને કારણે વૈશ્વિક સ્તરે અશાંતિમાં મોટો વધારો થયો છે.