આયુર્વેદિક ડિટોક્સ: પંચકર્મ દ્વારા મેદસ્વિતાનું મૂળમાંથી નિવારણ

આજના સમયમાં વધતું જતું વજન એટલે કે મેદસ્વિતા (Obesity) એક વૈશ્વિક સમસ્યા બની છે. પરંતુ આયુર્વેદની પંચકર્મ પધ્ધતિ દ્વારા મેદસ્વિતાથી મુકિત મેળવી શકાય છે. પંચકર્મ પધ્ધતિએ માત્ર રોગ મટાડવાની પદ્ધતિ નથી, પરંતુ શરીરના શુદ્ધિકરણ અને કાયાકલ્પની એક ઊંડી પ્રક્રિયા છે.     

          આયુર્વેદિક દ્રષ્ટિકોણથી મેદસ્વિતાએ શરીરમાં ‘મેદ ધાતુ’નો અસાધારણ વધારો અને અગ્નિ (Metabolism) ની મંદતાનું પરિણામ છે. જ્યારે શરીરમાં કફ દોષ વધે છે અને જઠરાગ્નિ મંદ પડે છે, ત્યારે ખોરાકનું યોગ્ય પાચન થવાને બદલે ‘આમ’ (ટોક્સિન્સ) બને છે. આ આમ અને વધારાની ચરબી શરીરની સામાન્ય પ્રક્રિયાને અવરોધે છે, જેને ‘સ્થૌલ્ય’ કહેવામાં આવે છે. આયુર્વેદની પંચકર્મ પધ્ધતિ દ્વારા મેદ અને આમ બંનેથી મુકિત મેળવી શકાય છે.

     પંચકર્મ સીધું જ શરીરના કોષોમાં જમા થયેલા ઝેરી તત્વો અને વધારાની ચરબીને બહાર કાઢવાનું કામ કરે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે, જેથી ભવિષ્યમાં ચરબી જમા થવાની પ્રક્રિયા ધીમી પડે છે.

મુખ્ય પંચકર્મ ચિકિત્સાઓ

      મેદસ્વિતા માટે નીચે મુજબની પ્રક્રિયાઓ અત્યંત અસરકારક છે:

(૧) ઉદ્વર્તન : આ મેદસ્વિતા મુક્તિ માટેની સૌથી પ્રચલિત પદ્ધતિ છે. તેમાં ઔષધયુક્ત ચૂર્ણ (જેમ કે ત્રિફળા, કોલકુલત્થાદિ) વડે શરીર પર વિરુદ્ધ દિશામાં માલિશ કરવામાં આવે છે. તે ત્વચા નીચે રહેલી ચરબીને ઓગાળે છે અને લસિકા તંત્રને સક્રિય કરે છે.

(૨) વમન : વમનએ શરીરમાં રહેલા વધારાના કફ દોષને ઉલટી દ્વારા બહાર કાઢવાની પ્રક્રિયા છે. મેદસ્વિતામાં કફનું પ્રાધાન્ય હોવાથી વમન ખૂબ જ લાભદાયી રહે છે.

(૩) વિરેચન : રેચ આપીને પિત્ત અને આંતરડાની શુદ્ધિ કરવી એટલે વિરેચન. આ પ્રક્રિયાથી લીવરની કામગીરી સુધરે છે અને ચરબીનું પાચન ઝડપી બને છે.

(૪) બસ્તી : ઔષધયુક્ત ઉકાળા અથવા તેલને એનિમા દ્વારા આપવામાં આવે છે. મેદસ્વિતા માટે ‘લેખન બસ્તી’ શ્રેષ્ઠ મનાય છે, જે શરીરમાંથી ચરબીને બહાર કાઢે છે.

પંચકર્મ ચિકિત્સાના તબક્કા

      કોઈપણ પંચકર્મ સીધું શરૂ નથી થતું, તેને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે: (૧) પૂર્વ કર્મ જેમાં સ્નેહન અને સ્વેદન કરવામાં આવે છે. આ તબક્કામાં શરીરને તેલથી માલિશ કરી વરાળ આપવામાં આવે છે જેથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ઓગળે છે. (૨) પ્રધાન કર્મ જેમાં મુખ્ય પંચકર્મ કરવામાં આવે છે. આ તબક્કામાં વમન, વિરેચન કે બસ્તી દ્વારા દોષોનો નિકાલ કરવામાં આવે છે.(૩)પશ્ચાત કર્મ જેમાં સંસર્જન ક્રમ કરવામાં આવે છે. આ તબક્કામાં પાચનશક્તિ મુજબ દર્દીને ફરી ધીમે ધીમે હળવા ખોરાક પર લાવવામાં આવે છે.

પંચકર્મ સાથે આહાર અને જીવનશૈલીનું પરિવર્તન

       પંચકર્મ બાદ જો આહાર પર નિયંત્રણ ન રાખવામાં આવે તો વજન ફરી વધી શકે છે. આ માટે પંચકર્મ દરમિયાન લંઘન એટલે ઉપવાસ અને પંચકર્મ પછી હળવો ખોરાક લેવો અનિવાર્ય છે. ઉષ્ણ જલ એટલે નવશેકું પાણી પીવાથી મેટાબોલિઝમ જળવાઈ રહે છે અને પંચકર્મ દ્વારા શરીર શુદ્ધ થયા પછી નિયમિત યોગ અને વ્યાયામ ચરબીને કાયમી ધોરણે દૂર રાખે છે.

       માત્ર ડાયેટિંગ કરતા પંચકર્મથી વજન ઝડપથી અને વૈજ્ઞાનિક રીતે ઘટે છે. પંચકર્મ દ્વારા હોર્મોનલ બેલેન્સ થાઈરોઈડ કે PCOD જેવી સમસ્યાઓને કારણે વધતા વજનમાં પણ રાહત મળે છે. શરીરમાંથી કચરો નીકળી જવાથી હળવાશ અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. પાચન સુધરતા એકંદર સ્વાસ્થ્યમાં સુધારો થતા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પરંતુ આ ચિકિત્સા હંમેશા નિષ્ણાત આયુર્વેદિક ચિકિત્સકની દેખરેખ હેઠળ જ કરાવવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ (વાત, પિત્ત, કફ) અલગ હોય છે.

       મેદસ્વિતા મુક્તિ માટે પંચકર્મ એ માત્ર વજન ઘટાડવાનો નુસખો નથી, પણ સમગ્ર સ્વાસ્થ્યનું પુનઃસ્થાપન છે