દસ વર્ષ બાદ અમદાવાદમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, 844 ખેલાડી ભાગ લેશે

પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આ વખતે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નારણપુરા ખાતે 12થી 15મી જૂન દરમિયાન યોજાશે. આ સાથે લગભગ એક દાયકા બાદ સ્ટેટ ટુર્નામેન્ટ અમદાવાદમાં પરત ફરી છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાઈ રહી છે.
2.90 લાખ રૂપિયાની કુલ ઇનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટમાં 844 સ્પર્ધકોની વિક્રમી સંખ્યામાં એન્ટ્રી આવી છે. 30 ક્વોલિફાઇડ ટેકનિકલ ઓફિશિયલ્સની ટીમની દેખરેખ હેઠળ 12 સ્ટિગા પ્રીમિયર રોલર ટેબલ પર મેચોનું આયોજન થશે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના કેટલાક મોખરાના સિનિયર અને જુનિયર ખેલાડીઓ ભાગ લેનારા છે. સિનિયર કેટેગરીમાં ભાગ લેનારા મોખરાના ખેલાડીઓમાં પ્રથમ માદલાણી, જૈનિલ મહેતા, ધૈર્ય પરમાર, ઓઇશિકી જોઆરદાર, ફિલઝાહ ફાતીમા કાદરી, અભિલાષ રાવલ અને નામના જયસ્વાલનો સમાવેશ થાય છે.
જુનિયર કેટેગરીમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી સામેલ થશે જેમાં રિયા જયસ્વાલ, પ્રથા પવાર, જન્મેજય પટેલ, ધ્યેય જાની, દાનિયા ગોદીલ, દેવ ભટ્ટ, હિમાંશ દહિયા અને મૌબોની ચેટરજીનો સમાવેશ થાય છે.
આ વખતની સ્પર્ધાનું એક પ્રમુખ આકર્ષણ અંડર-9 કેટેગરીમાં ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ છે. બોયઝ અને ગર્લ્સ બંનેમાં 32-32 એન્ટ્રી મળી છે અને આ ટુર્નામેન્ટ ભાગ લેનારા ખેલાડીઓને સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડશે. અંડર-9 કેટેગરીમાં મજબૂત ભાગીદારી ભારતીય ટેબલ ટેનિસને ભવિષ્યમાં સકારાત્મક પરિણામ આપી શકે છે.
આ અંગે વાત કરતાં ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદ (ટીટીએએ)ના સેક્રેટરી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે “ટુર્નામેન્ટને મળેલો પ્રતિસાદ અમારી અપેક્ષાઓ કરતાં પણ વધુ સારો રહ્યો છે. અંડર-9 કેટેગરીમાં મજબૂત ભાગીદારી સહિત રેકોર્ડ 844 એન્ટ્રી મેળવવી એ સ્પષ્ટ સંકેત છે કે ગુજરાતમાં ટેબલ ટેનિસ ઝડપથી વધી રહ્યું છે. આવા યુવા ખેલાડીઓની ભાગીદારી ખાસ કરીને પ્રોત્સાહક છે કેમ કે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા ચેમ્પિયનને આજે ઓળખવામાં આવી રહ્યા છે અને તેમનું પોષણ કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ દેશ 2036 ઓલિમ્પિક્સ અને 2038 એશિયન ગેમ્સનું આયોજન કરવાની આકાંક્ષાઓ સાથે તેના લાંબા ગાળાના રમતગમતના દ્રષ્ટિકોણને તૈયાર કરી રહ્યો છે, તેમ તેમ આવી પાયાની સ્પર્ધાઓ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. અમે તમામ હિસ્સેદારોના સમર્થન બદલ આભાર માનીએ છીએ અને રાજ્યના કેલેન્ડર પર આ ટુર્નામેન્ટને નિયમિત વાર્ષિક ઇવેન્ટ તરીકે સ્થાપિત કરવા આતુર છીએ