પૂર્વ કચ્છ એલસીબીનો મોટો દરોડો : ટપ્પર વાડી વિસ્તારમાંથી રૂ. 1 કરોડથી વધુના વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યો

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર તથા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એલસીબીની ટીમે અંજાર તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ટપ્પર વાડી વિસ્તારમાં વહેલી સવારના સમયે સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક વિગતો મુજબ એલસીબી પીઆઈ જે. એમ. વાળા, પીએસઆઈ ડી. જી. પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિદેશી દારૂ, બીયર તેમજ વાહનો સહિત રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ 1,277 પેટી દારૂ અને બીયરનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો.

ઝડપાયેલ મુદ્દામાલની ગણતરી દુધઈ પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી હતી. ગણતરી પૂર્ણ થયા બાદ કુલ મુદ્દામાલની કિંમત, દારૂનો જથ્થો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેમજ સમગ્ર રેકેટ અંગેની વધુ તપાસ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં હાલ સુધી કોઈ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી. જોકે દારૂના જથ્થાના સ્ત્રોત અને સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે એલસીબી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.