‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ અંતર્ગત કચ્છમાં ધાર્મિક અને જાહેર સ્થળોની સફાઈ કરાઈ

સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છમાં ધાર્મિક અને જાહેર સ્થળોની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. અંજાર તાલુકાના તમામ ગામોમાં ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો તાલુકાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સંઘડ મુકામે યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન ગામની ધાર્મિક જગ્યા જોગણી માતાજીનું મંદિર ખાતે સફાઈ કરવામાં આવી હતી. મંદિર પરિસર, આસપાસના જાહેર માર્ગો, ખુલ્લી જગ્યાઓ તથા કચરાના નિકાલની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા અને સ્વચ્છ પર્યાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિતના જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ માતાના મઢ તેમજ ગામના જાહેર વિસ્તારોમાં શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. આ સાથે ચિત્રોડ ખાતે ત્રિકમ સાહેબ મંદિર, અબડાસા તાલુકામાં પીંગલેશ્વર મહાદેવ, દરિયા કિનારો તેમજ મંદિર પરિસર, કબરાઉ ખાતે મોગલ ધામ, ગોધરા ખાતે અંબેધામ મંદિર સહિત જિલ્લાના ધાર્મિક સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોએ સ્વચ્છતા માટે શ્રમદાન કરી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાઈ અને જાહેર તથા ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવાની જવાબદારી અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો.“સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ” ના સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.