કચ્છના પ્રભારી મંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભુજ કેડીસીસી બેંક ખાતે ‘જનકલ્યાણ શિબિર’નો પ્રારંભ

 કચ્છ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેડીસીસી બેંક ભુજ ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ હતી. કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ એક સ્થળે મળી રહે તે હેતુથી આ જન કલ્યાણ શિબિરનું આયોજન ભુજ નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

       વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને માળખાગત સુવિધાઓનો વિકાસ થયો છે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓની‌ સાથે રૂબરૂ મુલાકાત કરીને સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના વિવિધ વોર્ડના લાભાર્થીઓને યોજનાકીય લાભો અને હુકમોનું રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા સહિત મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

        કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ ખાતે નાગરિકોને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. નાગરિકોની સરકારની વિવિધ યોજનાઓની જાણકારી સંબંધિત વિભાગના અધિકારીઓએ આપી હતી.

        આ જનકલ્યાણ શિબિર દરમિયાન લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના,પીએમજેએવાયમા યોજના, પીએમ સૂર્ય ઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજનાનો લાભ સ્થળ પર જ વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવ્યો હતો.

        આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી શીતલભાઈ શાહ, અગ્રણીશ્રી ફલજીભાઈ ચૌધરી, શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ શાહ, શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી મિત ઠક્કર, કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરશ્રી નિશાબા જાડેજા, ભુજ ચીફ ઓફિસર સુશ્રી ટ્વિંકલ પટેલ સહિત કાઉન્સિલરશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.