કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ

આજરોજ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ‘પ્રગતિ પથ યાત્રા’માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ભુજ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી નિર્મિત સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ભૂકંપ બાદ કચ્છના સર્વાંગી વિકાસનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો.

પ્રગતિ પથ યાત્રાના પ્રારંભ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સહિત મહાનુભાવોએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ સ્મૃતિવન મ્યૂઝિયમમાં આવેલી તમામ ગેલેરીમાં કચ્છી કલા કસબને અપાયેલા વિશેષ સ્થાનની બાબતને બિરદાવી હતી.

રાજ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ સ્મૃતિવન મ્યૂઝિયમમાં આવેલા સિમ્યુલેટરમાં જઈને ભૂકંપની વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત, રાજ્યમંત્રીશ્રીએ સ્મૃતિવન મ્યૂઝિયમ નિહાળવા આવેલા પ્રવાસીઓ સાથે મુક્તમને સંવાદ કરીને ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વ્યક્તિગત અનુભવો વિશે પૃચ્છા કરી હતી.

આ પ્રગતિ પથ યાત્રા દરમિયાન રાજ્યમંત્રીશ્રીની સાથે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી શિતલભાઈ શાહ, અગ્રણીશ્રી ફલજીભાઈ ચૌધરી, શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ભીમજીભાઈ જોધાણી, કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, સ્મૃતિવન મ્યૂઝિયમના ડીરેક્ટરશ્રી મનોજ પાંડે સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.