૧૭ જુન ૨૦૨૬ World Crocodile day ની ઉજવણી

કચ્છ પશ્ચિમ વન વિભાગ તથા માહિમ પાંધી વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ જૂન ૨૦૨૬ના રોજ વિશ્વ મગર દિવસ (World Crocodile Day) ની ઉજવણી અંતર્ગત વનચેતના કેન્દ્ર. ભુજ ખાતે વિશેષ જાગૃતિ અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વન સંરક્ષકશ્રી કચ્છ વન વર્તુળ, ભુજ, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગ, ભુજ, નાયબ વન સંરક્ષકશ્રી, બન્ની ગ્રાસલેન્ડ વિભાગ, ભુજ, માહિમ પાંધી વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, શ્રી દક્ષ પાંધી, શ્રીમતી બ્રિકી દેસાઈ તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અંદાજે ૫૦ જેટલા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત શ્રી દક્ષ પાંધી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમના ઉદ્દેશ્યો વિશે માહિતી આપી તથા મગર સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડયો હતો.

ત્યારબાદ વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ, ભુજ દ્વારા વિશ્વ મગર દિવસની ઉજવણીના મહત્વ અંગે સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે મગરો જળચર પર્યાવરણના અભિન્ન અંગ હોવાનું જણાવી તેમની સુરક્ષા અને સંવર્ધન માટે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી

કાર્યક્રમ દરમિયાન શ્રી દક્ષ પાંધી દ્વારા કચ્છ જિલ્લામાં જોવા મળતા મગરોની વસતિ, તેમનો રહેઠાણ વિસ્તાર, જીવનચક્ર, પ્રજનન પદ્ધતિ તથા સંરક્ષણ સંબંધિત વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મગરોના અભ્યાસ અને સંશોધન માટે ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનો પદ્ધતિઓ, ટ્રેકિંગ તકનીકો અને વૈજ્ઞાનિક અભિગમ અંગે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સર્વે

આ પ્રસંગે ડૉ. બિંકી દેસાઈ દ્વારા ભારતમાં મગર સંરક્ષણ અને સંશોધન ક્ષેત્રે થયેલા મહત્વપૂર્ણ અભ્યાસો અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે મગરોની પર્યાવરણીય ભૂમિકા, માનવ-મગર સહઅસ્તિત્વ તથા ભવિષ્યમાં સંશોધનના ક્ષેત્રો વિશે રસપ્રદ માહિતી રજૂ કરી હતી.

વન કર્મચારીઓ સાથે મગર સંરક્ષણને લગતા ક્ષેત્રિય પડકારો, બચાવ કામગીરી, જનજાગૃતિ તેમજ મગરોના નિવાસસ્થાનોના સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ સાથે વ્યવહારુ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

ડૉ. બ્રિકી દેસાઈ દ્વારા “Be Mugger Wise: દેખો મગર દૂર સે ” અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે મગરો પ્રત્યે સાવચેતી રાખવા સુરક્ષિત અંતર જાળવવા તથા સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના અંતે મગર સંરક્ષણ વિષયક ખુલ્લું પ્રશ્નોત્તરી સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સમાપન મદદ વન સંરક્ષકશ્રી દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રકૃતિપ્રેમીઓ તથા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓએ ઉપસ્થિત રહી વિશ્વ મગર દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.