રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને ભુજના સ્મૃતિવન ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લાકક્ષાના ‘Yoga for Healthy Ageing’ ની થીમ પર ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે “મિયાવાકી વન”ના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ યોગપ્રેમીઓ જોડાયા હતા.

આ તકે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી ૧૨ વર્ષના સફળ શાસનમાં તેમણે ભારતના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં યોગને વડાપ્રધાનશ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડયો છે. સમગ્ર ભારત તથા ગુજરાતના દરેક સ્થળે ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાતી સામૂહિક ઉજવણી આ જ પ્રયાસનો એક ભાગ છે. આ તકે તેમણે વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ આકાર પામેલા ભુજ સ્મૃતિવન ભૂંકપ મેમોરીયલને વડાપ્રધાનશ્રીની કચ્છને ભેટ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોગ શારીરિક વ્યાયામ નહીં, પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એક દિવસ માટે નહીં પરંતુ દૈનિક જીવનમાં અપનાવવો જોઇએ. યોગથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ બને છે. યોગના કારણે તણાવ ઘટતા સકારાત્મક વિચાર થકી રોગમુક્ત બનવામાં મદદ મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે યોગ સાથે જોડાઇને સ્વસ્થ ગુજરાત અભિયાનનો આપણે સૌ ભાગ બનીએ.
સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, તાલુકાકક્ષા તથા મહાનગરપાલિકા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ યોગ દિવસના ૧૦ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નખત્રાણામાં ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં જી.એમ.બી.પોર્ટ એરીયા, અંજારમાં શ્રી મૂરલીધર આહિર બોર્ડિંગ, અબડાસામાં આદર્શ કુમાર છાત્રાલય, લખપતમાં પી.એમ.લીંબાણી સ્કૂલ દયાપર, ગાંધીધામમાં રમત-ગમત સંકુલ, મુન્દ્રામાં કોસ્ટ ગાર્ડ સ્ટેશન, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કલકત્તાથી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઇ સંબોધન કર્યું હતું.
આજના કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મીબેન ખેતાણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેક્ટરશ્રી પ્રણવ વિઠાણી, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, આગેવાનશ્રી હિતેશ ખંડોલ, મનોજ પાંડે સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રાજય યોગ બોર્ડના વિજય શેઠ દ્વારા યોગ પ્રોટોકલની તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠકકરે કર્યું હતું.