બદનામ પાક અમને ન શીખાડે : ભારત
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી તરફથી ભારતમાં મુસ્લિમ ધર્મ સ્થળો ઉપર અપાયેલા વિવાદાસ્પદ નિવેદન અંગે વિદેશ મંત્રાલયે ઝાટકણી કાઢી હતી. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ભારતે જરદારીના નિવેદનોને પાયાવિહોણા, ભ્રામક અને નફરતથી ભરેલા ગણાવીને ફગાવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાં દખલ કરવાનો કે ટિપ્પણી કરવાનો કોઈ કાનૂની કે નૈતિક અધિકાર નથી. પાકિસ્તાની રાષ્ટ્રપતિ જરદારીએ વારાણસીની ઐતિહાસિક મસ્જિદ ગંજ શહીદા અને ભારતના અન્ય મુસ્લિમ સ્થળો ઉપર કથિત જોખમ અને ડિમોલિશન અંગે એક્સ ઉપર પોસ્ટ શેર કરી હતી. જેના ઉપર ભારતે જડબાતોડ પ્રતિક્રિયા આપીને પાકિસ્તાનને પોતાના ખરાબ માનવાધિકાર રેકોર્ડની યાદ અપાવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે જે દેશ પોતાને ત્યાં લઘુમતીઓના અધિકારોને પગ નીચે કચડી રહ્યો છે તે દેશ આશ્ચર્યજનક રીતે બીજાને સલાહ આપી રહ્યો છે. પાકિસ્તાનનો પોતાનો માનવાધિકાર રેકોર્ડ ખુબ કથળેલો અને નિરાશાજનક રહ્યો છે. પાકિસ્તાનમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવાનો બદનામ ઈતિહાસ છે.