કચ્છ અને દ્વારકાને મળશે નવા SEZ,રૂ ₹27,600 કરોડથી વધુની નિકાસ અને આશરે 10 હજાર લોકોને રોજગાર મળવાની સંભાવના

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતા કેન્દ્ર સરકારના બોર્ડ ઓફ એપ્રૂવલે રાજ્યમાં બે નવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) સ્થાપવા માટે ઇન-પ્રિન્સિપલ મંજૂરી આપી છે. આ નવા SEZ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસાવવામાં આવશે. બંને પ્રોજેક્ટ દ્વારા આગામી પાંચ વર્ષમાં ₹27,600 કરોડથી વધુની નિકાસ અને આશરે 10 હજાર લોકોને રોજગાર મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં મુંદરા નજીક આવેલા વડાલા ગામે Arham SEZ (I) Pvt Ltd દ્વારા 94.19 હેક્ટર વિસ્તારમાં મલ્ટી-સેક્ટર SEZ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અંદાજે ₹230 કરોડનું રોકાણ થશે અને આગામી પાંચ વર્ષમાં ₹10,000 કરોડની નિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ SEZ દ્વારા આશરે 9,000 લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળવાની અપેક્ષા છે. મુંદરા બંદરની નજીક હોવાથી આ વિસ્તાર લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને નિકાસ આધારિત ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.
બીજી તરફ દેવભૂમિ દ્વારકાના કાજુરડા ગામે Essar Power Limited દ્વારા 56.65 હેક્ટર વિસ્તારમાં મલ્ટી-સેક્ટર SEZ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં શરૂઆતના તબક્કે ₹50 કરોડનું રોકાણ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં અહીંથી ₹17,629 કરોડની નિકાસ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે, જ્યારે આશરે 894 લોકોને રોજગાર મળશે. આ SEZ ગ્રીન એનર્જી, બાયોફ્યુઅલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને વિકસાવવામાં આવશે.
ગુજરાત પહેલેથી જ દેશના સૌથી મજબૂત ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાંનું એક છે. રાજ્યના કાર્યરત SEZ દેશની કુલ SEZ નિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. કચ્છમાં મુંદરા પોર્ટ અને દ્વારકામાં ઊભા થઈ રહેલા ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમને ધ્યાનમાં લેતા આ બંને નવા SEZ રાજ્યના આર્થિક વિકાસ, નિકાસ ક્ષમતા અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.