બાગી જૂથે મમતાને હટાવ્યા, અભિષેકને કર્યા સસ્પેન્ડ

copy image

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનરજી અને તેમનાં પક્ષપર માઠી બેસી ગઈ છે. સત્તાની જંગમાંથી ફંગોળાઈને હવે મમતાનાં તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ ગયું છે. મળતી માહિતી મુજબ તૃણમૂલ કોંગ્રેસમાં ઉઠેલા વિદ્રોહે આજે એક નિર્ણાયક અને સ્ફોટક વળાંક ધારણ કર્યો છે. જેમાં ધારાસભ્ય ઋતબ્રત બેનરજીનાં નેતૃત્વવાળા બાગી જૂથે પક્ષનાં અધ્યક્ષ સ્થાનેથી મમતા બેનરજીને હટાવવા અને તેમનાં ભત્રીજા અભિષેક બેનરજીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનું એલાન કરીને ખળભળાટ મચાવી દીધો હતો. આ નિર્ણય બાગી જૂથની એક મહત્ત્વની બેઠકમાં કરવામાં આવ્યો હતો. જેમાં આ જૂથે પોતાને અસલી તૃણમૂલ કોંગ્રેસ ગણાવતા નેતાઓએ નવી સંગઠનાત્મક સમિતિની રચના બાદ પ્રસ્તાવ પસાર કરીને અભિષેકને સસ્પેન્ડ કરવાની ઘોષણા કરી દીધી હતી. આજનાં આ ઘટનાક્રમે શિવસેના અને એનસીપીમાં થયેલા ભંગાણનું પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ પેદા કરી દીધી છે. બાગી જૂથ દ્વારા વરિષ્ઠ વિધાયક અરુપ રોયને નવી સંગઠનાત્મક સમિતિનાં ચેરમેન નિયુક્ત કર્યા છે. ઋતબ્રત જૂથની બેઠક ન્યૂ ટાઉનની એક હોટેલમાં મળી હતી અને તેમાં બગાવતી વિધાયકો ઉપરાંત ત્રણ જિલ્લાનાં 70 જેટલા નગરસેવકોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં હાવડા મધ્યથી વિધાયક અરુપ રોયને મમતા બેનરજીનાં સ્થાને પક્ષનાં નવા ચેરપર્સન એટલે કે અધ્યક્ષ નિયુક્ત કરી દેવામાં આવ્યા હતાં. બાગી જૂથનો દાવો છે કે, પક્ષની અંદર બંધારણીય સંકટનાં પગલે આ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકને સંબોધન કરતા ઋતબ્રતે કહ્યું હતું કે, પક્ષનાં બંધારણ મુજબ દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની રચના જરૂરી છે અને છેલ્લા આ સમિતિ ફેબ્રુઆરી 2022માં બનાવવામાં આવી હતી. પદાધિકારીઓનો કાર્યકાળ સમાપ્ત થયા પછી પક્ષનાં સંગઠનાત્મક માળખાની પુન:રચના કરવામાં આવી નહોતી, તેથી પક્ષનાં રાષ્ટ્રીય નેતૃત્વનાં પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ કરવી જરૂરી બની ગઈ હતી. આ નવા ઘટનાક્રમ પછી તૃણમૂલ કોંગ્રેસ હવે ત્રણ જૂથમાં વિભાજિત થયેલો દેખાય છે. પહેલું જૂથ મમતાનું, બીજું ઋતબ્રત બેનરજીનું અને ત્રીજુ જૂથ કાકોલી ઘોષનાં નેતૃત્વમાં આશરે બે ડઝન જેટલા સાંસદોનું છે.