પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા ખેડૂતોનેકૃષિ અંગે માર્ગદર્શન

તા. ૧૯/૦૬/૨૦૨૬, શુક્રવારના રોજ મુક્ત જીવન સ્વામી બાપ મહિલા આર્ટ્સ કોલેજ, ભુજ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યશાળા (વર્કશોપ)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ કૃષિ પેદાશોના પ્રદર્શન સાથે ખેતી અને કૃષિ વિકાસને લગતા વિવિધ વિભાગોના માહિતીપ્રદ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિભાગીય સંશોધન કેન્દ્રને પણ પોતાના કાર્યો અને સંશોધન પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરવાની તક પ્રાપ્ત થઈ હતી. વિભાગીય સંશોધન કેન્દ્ર તરફથી ડૉ. યોગેશ રાઠવા (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), શ્રી રાજ પરવાડિયા (સિનિયર રિસર્ચ ફેલો) તથા શ્રી જશપાલસિંહ ડાભી (ખેતી મદદનીશ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુલાકાતી ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા અન્ય ઉપસ્થિતોને વિભાગીય સંશોધન કેન્દ્રની વિવિધ સંશોધન પ્રવૃત્તિઓ, કૃષિ ક્ષેત્રે નવીન તકનીકો તેમજ ખેતીને લગતી ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ પાકોની સુધારેલી અને નવી બિયારણ જાતો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને આ નવીન અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યશાળાએ પ્રાકૃતિક ખેતી, નવી કૃષિ તકનીકો તથા સુધારેલી બિયારણ જાતો અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને કૃષિ ક્ષેત્રે ટકાઉ વિકાસ માટે પ્રેરણારૂપ સાબિત થઈ હતી.