બાળકોને વ્હાલથી શાળામાં આવકારીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા શ્રી ધવલ પંડ્યા

રાજ્ય સરકારના ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકામાં ત્રિદિવસીય કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીએસડીએમએ (GSDMA) ના એડિશનલ સીઈઓ અને IAS અધિકારી શ્રી ધવલ પંડ્યાએ સ્ટેટ લેવલ ઓફિસર તરીકે ઉપસ્થિત રહીને નાના ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

શ્રી ધવલ પંડ્યાના અધ્યક્ષસ્થાને તારીખ ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન મુન્દ્રા તાલુકાના ટૂંડા, મોટા કાંડાગરા, મોટી ખાખર, નવીનાળ, દેશલપર (કંઠી), જબલપુર, કુંદરોડી, પત્રી અને લાખાપર સહિતના કુલ ૯ ગામોની ૧૮ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧, ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં નવીન પ્રવેશપાત્ર તેમજ ‘બેક ટુ સ્કૂલ’ ઝુંબેશ અંતર્ગત પુનઃ પ્રવેશને પાત્ર એવા કુલ ૫૩૧ જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તારીખ ૨૫ જૂનના રોજ પ્રવેશોત્સવના અંતિમ દિવસે કુંદરોડી, પત્રી અને લાખાપર ખાતે શાળા પ્રવેશોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી ધવલ પંડ્યાએ બાળકો અને વાલીઓને પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બાળકોમાં શિક્ષણ પ્રત્યે નિયમિતતા કેળવવી તે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. શાળા પ્રવેશોત્સવને બાળકોના જીવન ઘડતરનું પ્રથમ પગથિયું ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણનો વ્યાપ વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. વાલીઓને માર્ગદર્શન આપતાં તેમણે રાજ્ય સરકારની સિદ્ધિઓને બિરદાવી હતી અને માહિતી આપી હતી કે સરકારના સઘન પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૦૨માં જે ડ્રોપ આઉટ રેશિયો ૩૮ ટકા હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૬ માં ૨ ટકાથી પણ નીચે આવી ગયો છે.

શ્રી ધવલ પંડ્યાએ બાળકોને જીવન ઘડતર માટે સોનેરી સૂચન આપતા જણાવ્યું હતું કે, દુનિયાના કોઈપણ લક્ષ્યને નિયમિતતા અને કઠોર મહેનતથી હાંસલ કરી શકાય છે. ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક સહિત મનગમતા વિષયની પસંદગી કરીને દેશના વિકાસમાં સહભાગી બનવા વિદ્યાર્થીઓને શ્રી પંડ્યાએ જણાવ્યું હતું. બાળકોને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને SMDC ના સભ્યો સાથે ખાસ બેઠક પણ યોજી હતી. આ પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનો આપવા તેમણે ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે શ્રી ધવલ પંડ્યાએ બાલિકાઓની સાથે શાળા પરિસરમાં વૃક્ષનું વાવેતર કરીને તેનું જતન કરવાનું સૂચન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, મામલતદાર (ડિઝાસ્ટર) શ્રી પી.કે. ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રવિભાઈ સોલંકી, સીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી જયસંગજી ઝાલા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, દાતાશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ તથા SMC અને SMDCના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.