આજરોજ ભુજ નગરપાલિકા ડ્રેનેજ શાખાની બેઠક મળી

આજરોજ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ ઉપપ્રમુખ બીન્દીયાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને અને નવનિયુક્ત ડ્રેનેજ શાખા ચેરમેન દિલીપભાઈ હડીયાના માર્ગદર્શન અન્વયે ભુજ નગરપાલિકા ડ્રેનેજ શાખાની બેઠક મળી હતી. ભુજ નગરપાલિકાના દંડક રૂપલબેન ચાવડા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે ૭૨ જેટલા નિષ્ણાત કર્મયોગીઓ ધરાવતી ભુજ નગરપાલિકાની ડ્રેનેજ શાખાની ટીમ દ્વારા આગામી દિવસોમાં વધુ ઉત્કૃષ્ટ અને ઝડપી કામગીરી કઈ રીતે પાર પાડવી એ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરતી એક મનોમંથન બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે ડ્રેનેજના ઈજનેરો દ્વારા સર્વે કર્મચારીઓનો પદાધિકારીઓ સાથે પરિચય કરાવ્યો હતો અને વિભાગની કામગીરી વિષે અવગત કર્યા હતા.

આ બેઠકને સંબોધતા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચોમાસું બેસી જવાથી ડ્રેનેજ સબંધિત ફરિયાદોમાં સ્વાભાવિકપણે ઉછાળો આવશે એવા સંજોગોમાં યુધ્ધના ધોરણે સમસ્યાઓનું નિવારણ કરવું અનિવાર્ય બની રહેશે અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મેકેનીક શાખાને ડ્રેનેજ શાખાના તમામ વાહનો મેઇન્ટેઇન રાખવા તેમજ જો વધુ સાધનો કે સંશાધનોની જરૂરીયાત ઉભી થશે તો તેના માટે પણ મારા સહીત સમગ્ર ટીમ સંપૂર્ણ કટ્ટીબદ્ધ છે.

ઉપપ્રમુખ બીન્દીયાબેન ઠક્કરે જણાવ્યું હતું કે ભુજ શહેર એ તેની હરોળમાં આવતા અન્ય શહેરોની સાપેક્ષે ખુબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે ત્યારે ભુજ શહેરમાં ડ્રેનેજ સબંધિત કોઈપણ પ્રકારની તકલીફ ન ઉદ્ભવે એ જોવાની આપણા સૌની સહિયારી ફરજ બની રહે છે. સુગમ કામગીરી પરિપૂર્ણ કરવા માટે અંતરાયરૂપ બનતી તમામ મુશ્કેલીઓનો આપણે સૌ સાથે મળીને નિરાકરણ લાવીશું.

ડ્રેનેજ ચેરમેન દિલીપભાઈ હડીયાએ જણાવ્યું હતું આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વોર્ડવાઈઝ ડ્રેનેજલાઈન ક્લીનીંગ કરવાનું આયોજન નક્કી કરવામાં આવેલ છે, હાલ ચાલતા ડ્રેનેજલાઈનના કામો ચોમાસાની ઋતુ પહેલા સત્વરે પૂર્ણ કરવા એજન્સીને કડક સૂચના અપાઈ છે એવું ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીના અંગત મદદનીશ કુણાલ ભીન્ડેની યાદીમાં જણાવાયું હતું.