પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં થાય છે વધારો

copy image

ધરતી માતાનાં રક્ષણ અને સંવર્ધન માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જમીનને જીવંત બનાવવા અને ફળદ્રુપતા વધારવા પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના નાગરિકોને આહ્વાન કર્યું છે. પ્રાકૃતિક કૃષિથી અનેક લાભ થાય છે. જમીન ફળદ્રુપ થતા જળ સ્તર ઉપર આવે જેથી સિંચાઈમાં પણ લાભ થાય, તથા પ્રકૃતિનાં જતનથી જમીન તથા આપણું બંનેનું સ્વાસ્થ્ય સારું રહે છે.

        રસાયણોથી ભરપૂર ખાતર જમીનનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. બીજું કે આ પદ્ધતિ ખર્ચાળ તો છે જ સાથોસાથ તેનાથી લોકોનાં સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી રહ્યું છે તેની સામે પ્રકૃતિનાં જતનનાં ધ્યેય સાથે પ્રાકૃતિક કૃષિ તમામ બાબતોમાં શ્રેષ્ઠ છે. નિરોગીમય જીવનની ચાવી એવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઉત્પાદિત થતાં અનાજ-ફળ-શાકભાજી સહિતનાં ખેતપેદાશોને મોટું માર્કેટ મળી રહ્યું છે. લોકો કુદરતી રીતે ઉગાડેલા ઉત્પાદનો માટે વધુ ભાવ આપવા પણ તૈયાર થઇ રહ્યાં છે જેથી આ પદ્ધતિ અપનાવતા ખેડૂતોને સારો બજારભાવ મળી રહ્યો છે.

        દેશી ગાયના એક ગ્રામ છાણમાં કરોડો સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે. પ્રાકૃતિક કૃષિ એ બિનખર્ચાળ પદ્ધતિ છે. વધારે ઉત્પાદન, પાણીની બચત, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનુ રક્ષણ, પોષણ અને સંવર્ધન સહિતનાં અનેક લાભો પ્રાકૃતિક ઢબે કૃષિ કરવાથી મળે છે. માટે સૌ ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ અપનાવો અને સમૃદ્ધ સ્વાસ્થ્ય તેમજ ફળદ્રુપ જમીન બનાવો.