ટ્રમ્પ વિફર્યા; યુદ્ધવિરામ ખતમ; ફરી મહાયુદ્ધ
copy image

મધ્ય-પૂર્વમાં યુદ્ધની આગ ઠંડી પડી હોવાનો હાશકારો અલ્પજીવી નીવડયો છે. અમેરિકા અને ઇરાને સામસામા હુમલા શરૂ કરી દેતાં મહાયુદ્ધનો બીજો દોર દઝાડશે, તેવો ઉચાટ આખી દુનિયામાં ફેલાયો છે. `નાટો’ની શિખર બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઇરાન સાથે યુદ્ધવિરામ ખતમ થયો હોવાનું એલાન કરતાં જણાવ્યું હતું કે, ઇરાનને કેન્સર છે, તેની સાથે વાતો કરવી સમયની બરબાદી છે. ફરી યુદ્ધથી ક્રૂડ તેલ ફરી મોંઘું થયું છે, શેરબજારોમાં કડાકા બોલી ગયા છે. ટ્રમ્પે ચીમકી આપી હતી કે, અમેરિકા ઇરાન પર ફરી નૌકાદળની નાકાબંદી લગાવી શકે છે. ખર્ગ ટાપુ પર કબજો કરીશું અને પાવર પ્લાન્ટ જેવા સ્થળો પર હુમલા કરીશું. ભારતના વિદેશ મંત્રાલયે પાછી વકરેલી તાણ પર ચિંતા વ્યક્ત કરતાં તમામ પક્ષોને સંયમ રાખવા, સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી. અમેરિકાએ ઇરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણા પર ફરી સૈન્ય હુમલા કર્યા હતા. હોર્મુઝમાં જહાજો પર ઇરાની હુમલાના વળતા જવાબમાં આ હવાઇ હુમલા કરાયા હોવાનું અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેંટકોમ)એ જણાવ્યું હતું. બીજીતરફ ટ્રમ્પને જવાબ આપતાં ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિ સમિતિના પ્રવકતા ઇબ્રાહિમ રેજાઇએ બુધવારે કહ્યું હતું કે, ઇરાન ટ્રમ્પની ધમકીઓથી નથી ડરતું. અમે લડાઇ માટે તૈયાર છીએ. ગઇકાલે મંગળવારે રાતભર ચાલેલા અમેરિકી હુમલાઓ બાદ આજે ઇરાને બહેરિન અને કુવૈતમાં અમેરિકાના 85 સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા હતા. ટ્રમ્પે બુધવારની રાત્રે પણ ફરી ઇરાન પર હુમલા કરાશે તેવું કહેતાં જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય ઇરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાનું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ `નાટો’ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ જોડાણે દુનિયાના સૌથી મોટા આતંક સમર્થક દેશ ઇરાન વિરુદ્ધ અમેરિકાનો સાથ નથી આપ્યો. ટ્રમ્પની નારાજગી વચ્ચે `નાટો’ના અધ્યક્ષ માર્ક રૂટે ઇરાન પર અમેરિકી સૈન્ય હુમલાનું સમર્થન કરતાં કહ્યું હતું કે, હોર્મુઝમાં જહાજો પર હુમલા બાદ ઇરાન પર અમેરિકાની આ કાર્યવાહી જરૂરી હતી. તુર્કીની રાજધાની અંકારામાં નાટો શિખર બેઠકથી પહેલાં રૂટ બોલ્યા હતા કે, ઇરાન અને અમેરિકા વચ્ચે 14 મુદ્દાના સમજૂતી કરાર હેઠળ યુદ્ધવિરામ લાગૂ હતો, પરંતુ ઇરાને તેનો ભંગ કર્યો હતો. અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ મંગળવાર મોડી રાતથી એક મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું. જે બુધવાર સવાર સુધી ચાલ્યું હતું. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ઈરાનમાં આયતુલ્લા અલી ખોમેનીના અંતિમ સંસ્કારની વિધિ ચાલી રહી છે. અમેરિકી સેનાનાં સત્તાવાર નિવેદન અનુસાર, આ હવાઈ હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના 80થી વધુ સૈન્ય મથકને તબાહ કરવામાં આવ્યાં છે, જેમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કોસ્ટલ રડાર સ્ટેશન, એન્ટિ-શિપ મિસાઈલ લોન્ચર, ડ્રોન લોન્ચ સાઈટ અને 60થી વધુ હાઈ-સ્પીડ બોટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંદર અબ્બાસના શહીદ હક્કાની પોર્ટ સહિત કેશ્મ દ્વીપ અને સીરિકની આસપાસનાં અનેક લશ્કરી ઠેકાણાઓને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બીજી તરફ, આ યુદ્ધની અસર અન્ય ખાડી દેશો પર પણ જોવા મળી રહી છે. ઈરાને કુવૈતને નિશાન બનાવીને મોટો ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો છે, જેની પુષ્ટિ કુવૈતની સેના દ્વારા કરવામાં આવી છે. કુવૈતના સૈન્ય જનરલ સ્ટાફે જણાવ્યું કે, દેશની એર ડિફેન્સ સિસ્ટમ અત્યારે સક્રિય છે અને દુશ્મન દેશ તરફથી આવી રહેલી મિસાઈલો તથા ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે. સેનાએ લોકોને આકાશમાં થતા ધડાકાઓથી ન ગભરાવા અને તુરંત જ સુરક્ષિત સ્થળોએ આશરો લેવા વિનંતી કરી છે.