`હા, ઈ-20થી એવરેજ થોડી ઘટે છે’

ઈ-20 પેટ્રોલને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા દિવસે ને દિવસે વધુ તીવ્ર બની રહી છે. મળતી માહિતી મુજબ ઇથેનોલ-મિશ્રિત ઇંધણ અંગેના હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ કબૂલતા જણાવ્યું હતું કે, ઓછી એવરેજના મુદ્દાની વાત કરીએ તો, હા, ઓટોમોબાઇલ એન્જિનીયારિંગના ક્ષેત્રમાં આ વાત સારી રીતે સ્થાપિત છે, ખાસ કરીને ઇંધણમાં નિષ્ણાત લોકોમાં. બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટીકાકારોને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે, જો ઈ-20 પેટ્રોલને કારણે એક પણ કાર, બાઇક કે સ્કૂટરને નુકસાન થયું હોય, તો તે વાહનનું નામ જણાવવું જોઈએ. એક મીડિયા હેવાલ મુજબ, પુરીએ કહ્યું હતું કે, ઈ-20 બે વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તો હવે અચાનક તેની ચર્ચા કેમ થઈ રહી છે? અમે હવે ઈ-25 લોન્ચ કર્યું છે અને તેના પર કામ કરી રહ્યા છીએ, સંશોધન ચાલી રહ્યું છે. હરદીપ પુરીએ કહ્યું  હતું કે, હીરો મોટર્સે ઈ-20 ઇંધણનો ઉપયોગ કરીને 15 મિલિયન વાહનોની સર્વિસ કરી છે, પરંતુ એક પણ ફરિયાદ નોંધાઈ નથી. તેમણે કહ્યું હતું કે, ઓછી એવરેજના મુદ્દાની વાત કરીએ તો, હા, ઓટોમોબાઇલ એન્જિનીયારિંગના ક્ષેત્રમાં, ખાસ કરીને ઇંધણમાં નિષ્ણાત લોકોમાં આ વાત સારી રીતે સ્થાપિત છે, જો કે, 2023 પહેલાં ઉત્પાદિત જૂના વાહનોમાં સમસ્યાઓ આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇથેનોલ પ્રવેગકતામાં મદદ કરે છે. ઇથેનોલનું ઓક્ટેન સ્તર 108 છે, જ્યારે પેટ્રોલનું સ્તર 84 છે. તેથી, ઇથેનોલ ઇંધણના વપરાશની ચોક્કસ ટકાવારી ઘટાડે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, આ ડ્રાઇવિંગ શૈલી, તમે કયા પ્રકારનું વાહન ચલાવો છો અને તમે કેટલી ઝડપે ચલાવો છો તેના પર પણ આધાર રાખે છે. તે ટ્રેક પર પણ આધાર રાખે છે.  હરદીપ પુરીએ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જો તમે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવી રહ્યા છો અને કોઈ વળાંક લીધા વિના, તો પણ તમારા વાહનને સારી માઈલેજ મળશે. આ ઘણા પરિબળો પર આધાર રાખે છે. ઇથેનોલ ઓછો ઇંધણ વપરાશ પૂરો પાડવા માટે એક પણ પરિબળ જવાબદાર નથી.