બ્રિટનમાં બની રહ્યું છે 150 કરોડ રૂપિયાનું પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમ ‘ૐ ક્રિમેટોરિયમ’

યુનાઇટેડ કિંગડમમાં વસતા હિંદુ, શીખ અને જૈન સમુદાય માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આવી ગઈ છે. પાંચ દાયકા એટલે કે અંદાજે ૫૦ વર્ષથી વધુ સમયના લાંબા સંઘર્ષ અને અભિયાન બાદ, બ્રિટનમાં પ્રથમ વિશેષ હિંદુ અંત્યેષ્ટિ કેન્દ્ર – “ૐ ક્રિમેટોરિયમ” આકાર લઈ રહ્યું છે.મળતી માહિતી મુજબ આ કેન્દ્ર ભારતીય સમુદાયની શ્રદ્ધા, પરંપરા અને જીવનના અંતિમ સંસ્કારની વિધિને સંપૂર્ણ ધાર્મિક ગૌરવ આપશે. વર્ષો જૂની પીડાનો આવશે અંત બ્રિટનમાં વસતા ભારતીય પરિવારો વર્ષોથી એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ત્યાંના સ્થાનિક ક્રિમેટોરિયમો સામાન્ય જરૂરિયાતો પૂરી કરતા હતા, પરંતુ હિંદુ, જૈન અને શીખ ધર્મના શાસ્ત્રોક્ત નિયમો મુજબ અંતિમવિધિ કરવા માટે સક્ષમ નહોતા. સમયની કડક મર્યાદા, પૂરતી જગ્યાનો અભાવ, ધાર્મિક શુદ્ધિકરણની અગવડતા અને પ્રિયજનના પાર્થિવ દેહની પ્રદક્ષિણા (પરિક્રમા) ન કરી શકવાને કારણે પરિવારોને હંમેશાં એવું લાગતું કે તેમના પ્રિયજનની અંતિમ સેવા અધૂરી રહી ગઈ. હવે આ સંકોચ અને મુશ્કેલીઓનો અંત આવશે. બકિંગહામશાયરના ડેન્હમ ખાતે આવેલા અનુપમ મિશનના પવિત્ર સ્વામીનારાયણ મંદિર પરિસરની બિલકુલ બાજુમાં જ “ૐ ક્રિમેટોરિયમ” નું નિર્માણ થઈ રહ્યું છે.શાસ્ત્રોક્ત પરંપરા અને આત્માની શાંતિનું કેન્દ્રભારતીય સંસ્કૃતિમાં અંતિમવિધિ અને ત્યારપછીના નિયમોનું વિશેષ મહત્વ છે. ભારતમાં પરંપરાગત અંતિમવિધિ લાંબી ચાલે છે, જે બ્રિટનમાં અત્યાર સુધી શક્ય નહોતી. ‘ૐ ક્રિમેટોરિયમ’ વારાણસીના ગંગા કિનારા જેવી પવિત્ર અને કુદરતી અનુભૂતિ કરાવશે. મંદિર, વૃક્ષો અને શાંત વાતાવરણની વચ્ચે સ્થિત આ કેન્દ્ર આત્માની સદગતિ માટે એક પવિત્ર ઉર્જા પ્રદાન કરશે. અહીં પરિવારો શાંતિથી બધી જ શાસ્ત્રોક્ત વિધિઓ એક જ સ્થળે પૂર્ણ કરી શકશે.એક જ સ્થળે બધી વિધિઓઅત્યાર સુધી બ્રિટનમાં સમય અને અંતરની મર્યાદાના કારણે અંતિમવિધિ બાદ સમૂહ ભોજન કે અન્ય ધાર્મિક ક્રિયાઓ માટે દોડધામ કરવી પડતી હતી. હવે આ બધી જ પ્રક્રિયા એક જ પવિત્ર પરિસરમાં સરળતાથી સંપન્ન થઈ શકશે. અનુપમ મિશનના આ અથાક પ્રયાસથી બ્રિટિશ ભારતીયોનું એક મોટું અને પવિત્ર સ્વપ્ન સાકાર થયું છે, જે આવનારી પેઢીઓ માટે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવાનું એક મોટું માધ્યમ બનશે.