1987 પછીનું સૌથી મોટું વાવાઝોડું: ‘ટાયફૂન બાવી’ને પગલે ત્રણ દેશો હાઈ એલર્ટ પર
copy image

પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલું ફ્રાન્સ દેશના કદ જેટલું મહાવિનાશકારી વાવાઝોડું ‘ટાયફૂન બાવી’ તાઇવાન, ચીન અને જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 200 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપ ધરાવતા આ તોફાનને પગલે ત્રણેય દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા આ વાવાઝોડાને છેલ્લા ઘણા વર્ષોનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવીને સ્થાનિક નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા અને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ ટાયફૂન તેના સૌથી પહોળા બિંદુએ આશરે 1000 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે ફ્રાન્સ દેશની કુલ પહોળાઈ બરાબર છે. તાઇવાનના હવામાન વિભાગના અધિકારી જેસન ચાંગના જણાવ્યા અનુસાર, કદની દ્રષ્ટિએ આ વર્ષ 1987 પછી તાઇવાન સાથે ટકરાનારું સૌથી મોટું વાવાઝોડું છે. હવામાન કેન્દ્રના પૂર્વાનુમાન મુજબ, આ તોફાન શનિવાર સાંજ સુધીમાં ચીનના પૂર્વી ફુજિયાન પ્રાંતના દરિયાકાંઠે ત્રાટકશે. તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ-તે ફેસબુક પર વીડિયો શેર કરીને જનતાને 3 દિવસ ચાલે તેવી ‘ઇમરજન્સી ગ્રેબ બેગ’ તૈયાર રાખવા જણાવ્યું છે. બીજી તરફ, જાપાનની હવામાન એજન્સીએ પણ ઓકિનાવા પ્રાંતમાં પૂર અને ભૂસ્ખલનની ચેતવણી આપીને હાઈ એલર્ટ જાહેર કર્યું છે Projected ટ્રેક અનુસાર , ટાયફૂન બાવીની ભારત પર કોઈ સીધી અસર થવાની આશંકા નથી. આ મહાતોફાન ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી ભારતના કોઈ દરિયાકાંઠાના વિસ્તારને જોખમ નથી. જો કે, પરોક્ષ અસર રૂપે આ વાવાઝોડાના વિશાળ ઘેરાવાના કારણે ફિલિપિન્સ અને દક્ષિણ-ચીન સાગરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Habagat) અત્યંત તીવ્ર બન્યું છે અને ત્યાં ભારે પૂરનું એલર્ટ છે. આ સ્થિતિ ભારતીય સિસ્ટમમાંથી ભેજને દૂર ખેંચી શકે છે.