આજરોજ કારોબારી સમિતિની મળેલ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા

તા. ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેનશ્રી કમલભાઈ પબુભાઈ ગઢવીના નેજા હેઠળ મળેલ જેમાં નગરપાલિકાની પાણી, રોડ રસ્તા, ડ્રેનેજ અને રોડલાઈટના લોકસુખાકારીના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુમાં માહિતી આપતા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આજરોજ મળેલ કારોબારી બેઠકમાં ભુજ શહેરના વિકાસને વેગ આપવા મહત્વના નિર્ણયો લેવામાં આવેલ છે, જેમાં બાંધકામ શાખાના કામો પૈકી કૃષ્ણાજી પુલના કામના આવેલ ટેન્ડરને ખોલવામાં આવ્યું હતું જેમાં એજન્સીને નેગોશીયેશન માટે જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે આઉટગ્રોથ એરીયા ગ્રાન્ટ અંતર્ગત રૂ.૦૭ કરોડ ના મંજુર થયેલ કામોનું ટેન્ડર કરવામાં આવેલ જેના ભાવો ખોલીને મંજુર કરવામાં આવેલ હતા. ૧૫માં નાણાપંચના રૂ. ૫૫ લાખના રોડ-રસ્તા, પેવરબ્લોકના કામો તથા જનભાગીદારીના રૂ. ૧.૫ કરોડના કામોના ટેન્ડર ખોલીને તેના ભાવો મંજુર કરવામાં આવ્યા હતા, ઉમેદનગર પુલીયાનું રૂ. ૪૫ લાખનું મંજુર થયેલ કામનું ટેન્ડર કરેલ, જેના ભાવો ખોલીને ભાવો મંજુર કરવામાં આવ્યા હતા, અંદાજીત રૂ. ૮૦ લાખના ડામર તથા સીસી રોડના પેચવર્કના કામો મંજુર કરવામાં આવ્યા હતા. ડ્રેનેજ શાખાના કામો પૈકી રૂ. ૦૩ કરોડની રકમના પરમ્પીંગ સ્ટેશનના અપગ્રેડેશનનાં કામોનું ટેન્ડર કરવામાં આવેલ જેના ભાવો ખોલતા, ભાવ ઊંચા આવતા તેને નેગોશીયેશન માટે જણાવવામાં આવેલ છે તેમજ અંદાજીત રૂ. ૦૨ કરોડના લાઈન મેઈન્ટેનન્સના કામોનું આયોજન કરવામાં આવેલ છે. પાણી પુરવઠાના કામો પૈકી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની નવી લાઈન નાખવાના કામો જ્યાં પાણી નથી પહોંચતું તેવા વિસ્તારો માટે પાણીની લાઈન નાખવાના અંદાજીત ૩૫ લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડલાઈટ શાખાના કામો પૈકી શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં લાઈટે બંધ છે તેને રીપેર કરવાનું અથવા જ્યાં નવી લાઈટ નાખવાની થાય છે ત્યાં લાઈટ લગાડવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ અન્ય વિવિધ કામોની સમીક્ષા પણ કરી હતી.
આ બેઠકમાં ચીફ ઓફીસરશ્રી ટ્રીન્કલબેન પટેલ, કારોબારી સભ્યો મનુભા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, મયંકભાઈ રૂપારેલ, ચંદ્રેશભાઈ રબારી, હસ્મીતાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા.