ઈથેનોલનો સળગતો મુદ્દો સુપ્રીમમાં પહોંચ્યો

પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. દેશભરમાં ઈથેનોલ અંગેના નિર્ણયની આલોચના થઈ રહી છે. કેન્દ્ર સરકાર અને કાર કંપનીઓ ઈથેનોલના પક્ષમાં દલીલો કરી રહ્યા છે. તેવામાં હવે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ (ઈ20) ભેળવવાની પોલિસીને પડકારતા સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ગ્રાહકોને જાગૃત કરવાના જરૂરી ઉપાય કરવા, ફ્યૂલ ડિસ્પેંસર ઉપર ઈથેનોલની માત્રા બતાવવા અને જુની ગાડીઓ માટે સાદુ પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાની માગણી થઈ છે. દરમ્યાન, સરકાર દ્વારા જણાવાયું હતું કે આખા દેશમાં શુદ્ધ પેટ્રોલ અને ઈ-10 આપવું સંભવ નથી. ઈ-20 પેટ્રોલ બહેતર છે. આ જનહિતની અરજી વકીલ નરેન્દ્ર મિશ્રાએ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક પેટ્રોલ પંપને ડિસ્પેન્સિંગ નોઝલ અને ઈંધણના બિલ ઉપર પેટ્રોલમાં ભેળવવામાં આવેલા ઈથેનોલની ટકાવારી સાફ બતાવવી જોઈએ. અરજકર્તા અનુસાર ગ્રાહકને યોગ્ય રીતે જાણકારી આપ્યા વિના ઈથેનોલ ભેળવેલું પેટ્રોલ, ખાસ કરીને ઈ20 ઈંધણ વેચવું ગ્રાહકોના અધિકારનું ઉલ્લંઘન છે કારણ કે ઘણા જુના વાહન ઈ20થી  યોગ્ય રીતે કામ કરી શકતા નથી. અરજીમાં એવા વાહનો માટે ગ્રાહકોને સાદુ પેટ્રોલ આપવાનો વિકલ્પ રાખવા માગણી થઈ છે જે વાહનો ઉપર વધુ ઈથેનોલના કારણે ખરાબ અસર થઈ શકે છે.  ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને અલગ અલગ સ્તરના ઈથેનોલ મિશ્ચિત પેટ્રોલમાંથી પસંદગીનો વિકલ્પ ન મળવા અંગે થઈ રહેલા સવાલ દરમિયાન સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારના કહેવા પ્રમાણે દેશભરમાં ઈંધણના વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવા મોટી લોજિસ્ટિકલ મુશ્કેલી બની શકે છે. જેનાથી ભારતના જટિલ ફ્યૂલ રિટેલ નેટવર્કમાં પડતર વધશે અને ઓપરેશનલ ક્ષમતા પણ પ્રભાવિત થશે. સરકારે કહ્યું હતું કે વર્તમાન બેઝ ફયુલ ઈ20 શુદ્ધ પેટ્રોલ અને ઓછું ઈથેનોલ ધરાવતા પેટ્રોલની તુલનામાં વધારે સાફ અને સારૂ છે. આ માટે ભારે રોકાણની જરૂર પડી છે.  ભારતે ગયા વર્ષે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણનું લક્ષ્ય મેળવ્યું હતું અને વર્તમાન સમયે દેશભરમાં ઈ20 ફ્યૂલ જ સ્ટાન્ડર્ડ પેટ્રોલ વેરિયેન્ટ છે. ઈ20 ફ્યૂલને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી છે. લોકોનો દાવો છે કે જુના વાહનોમાં ઈ20ની નકારાત્મક અસર થઈ રહી છે.