4 રાજ્યોમાં 22 લાખથી વધુ વોટર્સના નામ ડિલીટ,22 લાખ મતદાર હટયા !
ભારતીય ચૂંટણીપંચની મતદારયાદી સુધારણા કવાયતના અંતિમ આંકડા સામે આવ્યા બાદ દેશના રાજકીય જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.દેશના ચાર રાજ્ય ઓરિસ્સા, મણિપુર, મિઝોરમ અને સિક્કીમમાં અંતિમ મતદારયાદીમાં એકીઝાટકે 22 લાખથી વધુ મતદારોનાં નામ કપાઇ ચૂક્યાં છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હટાવાયેલાં નામોમાં મોટી સંખ્યામાં એવા મતદારો સામેલ છે, જે મૃત્યુ પામી ચૂક્યા છે કે, લાંબા સમયથી સ્થળાંતરિત છે અથવા ક્યાંક બોગસ રીતે બેવડાં નામ નોંધાયેલાં છે. આ ઐતિહાસિક છટણી બાદ આ ચારેય રાજ્યોમાં ચૂંટણીલક્ષી સમીકરણો પૂરી રીતે બદલવાની સંભાવના છે. એક જ ઝાટકામાં 22 લાખથી વધુ મતદારોનાં નામ બાકાત થઇ જતાં તમામ પ્રમુખ રાજકીય પક્ષોના બૂથ સ્તરીય ગણિત અને ભાવિ ચૂંટણી રણનીતિમાં મોટી ઊથલપાથલ મચી ગઇ છે. વિરોધ પક્ષોએ આટલી મોટી સંખ્યામાં નામો હટાવવાના પગલાં પર સવાલ ઊઠાવવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણીપંચના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણપણે પારદર્શક તેમજ કાયદાના નિયમો હેઠળ જ કરવામાં આવી છે.