કચ્છમાં તોફાની પવનનો કહેર! 40 કિમીની ઝડપે ધૂળના વંટોળ, વીજળી ગુલ થતા લોકો ત્રસ્ત

છેલ્લા 3 દિવસથી કચ્છ આખામાં પ્રકૃતિ રોષે ભરાઈ હોય એમ વેગીલો પવન ફૂંકાઈ રહ્યો છે. ગ્રામ્ય અને સરહદી પટ્ટીમાં પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકને પાર પહોંચી ગઈ છે. પવન સાથે ઉડતી ધૂળના કારણે આખો જિલ્લો ધૂળના વાદળમાં લપેટાયો છે. રસ્તા, ઘર અને દુકાનોમાં ધૂળ ભરાતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. સૌથી મોટી મુશ્કેલી વીજળીને લઈને છે. પવનના જોરથી જિલ્લાના અનેક ગામોમાં વીજ ફીડરોમાં ફોલ્ટ આવી ગયા છે. પરિણામે વારંવાર લાઈટ જવા-આવવાનો દોર ચાલુ છે. ગરમી અને ધૂળ વચ્ચે વીજ કાપના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વીજ તંત્રની ટીમો ફોલ્ટ રિપેર કરવામાં લાગી છે, પરંતુ પવન ન થોભે ત્યાં સુધી રાહતની શક્યતા ઓછી છે