પાકને ધક્કા મારી બહાર કરાશે : યુરોપની ચેતવણી

યુરોપની સાંસદમાંથી પાકિસ્તાનને ચેતવણી મળી છે. પાકિસ્તાન જો પોતાની હરકતોને રોકશે નહી તો યુરોપ પોતાની બજારોમાંથી પાકિસ્તાનને ધક્કા મારીને બહાર કરશે. યુરોપીય સાંસદોએ એક પ્રસ્તાવ પસાર કરીને કહ્યું હતું કે જો પાકિસ્તાને પોતાના દેશમાં માનવાધિકારોની બદતર થઈ રહેલી સ્થિતિને સુધારી નહી તો તેણે યુરોપથી મળતી સુવિધાને ભૂલી જવી પડશે. યુરોપે અત્યાર સુધી પાકિસ્તાનને વિશેષ વ્યાપારીક લાભ એટલે કે જીએસપી+નો દરજ્જો આપ્યો હતો. જો કે હવે પાકિસ્તાનની વાસ્તવિકતા જોઈને યુરોપ દરજ્જા અંગે ફરીથી વિચાર કરી રહ્યું છે. જ્યારે આર્થિક તંગીથી પરેશાન પાકિસ્તાન માટે યુરોપ સૌથી મોટું નિકાસ કેન્દ્ર છે. તેવામાં યુરોપની ચેતવણી પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.  યુરોપિયન સાંસદોએ પાકિસ્તાનની સતત કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંસદમાં પસાર પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે બલૂચિસ્તાન જેવા અશાંત વિસ્તારમાં લોકોને ગેરકાનૂની રીતે ગાયબ કરવામાં આવે છે અને પાકિસ્તાન સરકારે આ મામલે કાર્યવાહી કરવી પડશે. આ પ્રસ્તાવમાં રાજકીય વિરોધીઓ, પત્રકારો, લઘુમતીઓ અને નાગરિકો સામે ઈશનિંદા,  આતંકવાદ વિરોધી અને સાઈબર ક્રાઈમ જેવા કાયદાના દુરુપયોગ ઉપર લગામ કસવાની વાત થઈ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓના બળજબરી ધર્મપરિવર્તન અને બાળ વિવાહ જેવા મામલે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે.