કાશ્મીરનાં અનંતનાગમાં બે વખત વાદળ ફાટયાં

કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં 60 મિનિટનાં ટૂંકાગાળામાં જ વાદળ ફાટવાની બે ઘટના બની હતી.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાતે વાદળ ફાટતા પહલગામ અને શંગુસ વિસ્તારમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં અને તબાહી મચી ગઈ હતી. અહીં હોટેલો અને ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જેના હિસાબે પર્યટન પણ અસરગ્રસ્ત થયું હતું. હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસને લોકોને ભારે વરસાદમાં બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી હતી. વાદળ ફાટવાની પહેલી ઘટના શંગુસનાં ચટરગુલનાં ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં બની હતી. જેનાં હિસાબે આરિપથ નાળાનું જળસ્તર ખતરનાક રીતે વધી ગયું હતું. પહાડો ઉપરથી ધસી આવેલા આ સૈલાબમાં ભારે માત્રામાં કાદવ, પથ્થરો અને મલબો તણાઈ આવ્યો હતો. આ ઘટના પછી પહલગામનાં ઓવેરા અભયારણ્ય ક્ષેત્રમાં બીજું વાદળ ફાટયું હતું. જેમાં અનેક હોટેલ, વૈભવી રિસોર્ટ અને સ્થાનિકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઘટનાએ પ્રવાસીઓમાં દહેશતનો માહોલ ઉભો કરી દીધો હતો.