૧૯ નવેમ્બરથી ૪૧૯ અધિકારીઓ માટે ત્રણ દિવસની ૧૦ તાલીમોનું સ્પીપા અમદાવાદ ખાતે આયોજન

VB RAMG PRESSNOTE

ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગની સૂચના અન્વયે વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે વીબી – જી રામ જી અધિનિયમ, ૨૦૨૫ અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરવાના થતા વિકસિત ગ્રામ પંચાયત પ્લાન (VGPP) પર એક દિવસીય વર્કશોપ તા. ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.

આ વર્કશોપ ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ માનનીય શ્રી ધનંજય દ્વિવેદી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક માનનીય શ્રી સી. સી. કોટક સરની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. વર્કશોપમાં વીબી – જી રામ જીના રાજ્ય સ્તરના અધિકારીઓ, રાજ્યના ૩૪ જિલ્લાઓના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીઓ તથા જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ મળી કુલ ૧૭૦ સહભાગીઓએ ભાગ લીધો હતો.

વર્કશોપના પ્રારંભે વિશેષ નિયામક શ્રી સી. સી. કોટક સર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપતાં વીબી – જી રામ જી અધિનિયમની મુખ્ય જોગવાઈઓ, વિકસિત ગ્રામ પંચાયત પ્લાનનું મહત્ત્વ, સહભાગી આયોજન, પીઆરએ ટૂલ્સ, વિવિધ વિભાગો સાથે કન્વર્જન્સ અને અધિકારીઓશ્રીની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે VGPP નીચેથી ઉપરના આયોજન દ્વારા ગામની વાસ્તવિક જરૂરિયાતોને આધારે ટકાઉ સંપત્તિ નિર્માણ અને સર્વગ્રાહી ગ્રામ વિકાસને વેગ આપશે.

વર્કશોપમાં VGPP નો પરિચય અને માળખું, અધિનિયમની જોગવાઈઓ, સહભાગીદારી આધારિત આયોજન, કામોની કેટેગરી, કન્વર્જન્સ તથા ગ્રામ પંચાયત વિકાસ પ્લાનની તૈયારી અને અમલીકરણ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા અને ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ દ્વારા સહભાગીઓની સમજણનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય આ ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહીને વિકસિત ભારત @૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તા. ૧૯ નવેમ્બર ૨૦૨૬થી વિકસિત ભારત ગ્રામીણ રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત તમામ ૩૪ જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના આશરે ૪૧૯ અધિકારીઓ માટે બેચ વાઈઝ ત્રણ-ત્રણ દિવસની કુલ ૧૦ તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમો દ્વારા VGPP ની તૈયારી અને અમલીકરણ અંગે વધુ ગહન તાલીમ આપવામાં આવશે. આ પહેલ ગુજરાતને દેશમાં અગ્રેસર સ્થાન અપાવે છે અને ગ્રામીણ વિકાસમાં ગુણવત્તાયુક્ત આયોજન તથા અસરકારક અમલીકરણની દિશામાં મજબૂત પાયો પૂરો પાડે છે.