ખારેકના પાકમાં વધતા જતા લાલ સુંઢીયાના ઉપદ્રવને અટકાવવા ગ્રામ સેવકો અને ખેતી મદદનીશોને વૈજ્ઞાનિક માર્ગદર્શન અપાયું

KHAREK PRESSNOTE MUNDRA KRISHI KENDRA 2026 P03

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત ખારેક સંશોધન કેન્દ્ર, મુન્દ્રા ખાતે “ખારેકનું લાલ સુંઢીયું: ઓળખ અને નિયંત્રણ” વિષય પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ખારેકના પાકમાં લાલ સુંઢીયાનો ઉપદ્રવ વધી રહ્યો હોવાથી, ગ્રામ્ય સ્તરે ખેડૂતોના સતત સંપર્કમાં રહેતા ગ્રામ સેવકો તથા ખેતી મદદનીશોને આ અંગે જાગૃત કરવાના ઉમદા હેતુથી આ તાલીમ યોજાઈ હતી, જેથી તેઓના માધ્યમથી આ અગત્યની વૈજ્ઞાનિક માહિતી છેવાડાના ખેડૂતો સુધી અસરકારક રીતે પહોંચી શકે.

આ તાલીમ કાર્યક્રમની શરૂઆતમાં ખારેક સંશોધન કેન્દ્રના વડા શ્રી દેવશીભાઈ બૈડીયાવદરાએ ઉપસ્થિત તાલીમાર્થીઓને આવકારીને ખારેકના પાકમાં લાલ સુંઢીયાના વધતા જતા ઉપદ્રવ અને તેનાથી થતા આર્થિક નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (કીટકશાસ્ત્ર) ડૉ. રવિ ડોડીયાએ લાલ સુંઢીયાના જીવનચક્રની વિવિધ અવસ્થાઓ અને ખારેકના ઝાડમાં આ જીવાત દ્વારા થતા નુકસાનના પ્રાથમિક ચિહ્નોની ઓળખ અંગે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે લાલ સુંઢીયાના અસરકારક નિયંત્રણ માટે અત્યંત મહત્વની ગણાતી ‘ફેરોમોન ટ્રેપ’ અને તેની કાર્યપ્રણાલી અંગે વ્યવહારુ સમજ આપી હતી.

કાર્યક્રમના અંતમાં યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં તાલીમાર્થીઓ દ્વારા ખારેકના પાક અને લાલ સુંઢીયા જીવાત સંબંધિત પૂછાયેલા વિવિધ પ્રશ્નોનું વૈજ્ઞાનિકો દ્વારા સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ ટૂંકી પરંતુ અત્યંત માહિતીસભર તાલીમમાં ખારેક સંશોધન કેન્દ્રના ડૉ. બી. બી. ગોળકિયા, શ્રી એમ. ડી. ધારવા તથા અન્ય કર્મચારીઓ તેમજ મુન્દ્રા તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી ભરતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ગ્રામ સેવકો અને ખેતી મદદનીશો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.