વાલકા મોટા આયુષ્માન આરોગ્ય મંદિરે વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું

ભુજ: રાજ્ય સરકારના હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ
લાવવાના હેતુથી નખત્રાણા તાલુકાના રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત વાલકા મોટા આયુષ્માન
આરોગ્ય મંદિર ખાતે આજે ભવ્ય વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું. કાર્યક્રમનું આયોજન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) શ્રીમતી કાજલ દાફડા તથા ફીમેલ હેલ્થ વર્કર (FHW) શ્રીમતી રોશનીબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ અવસરે 60થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન, વૃક્ષોની સંભાળ અને હરિયાળા ભવિષ્ય માટે સૌને સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઓસમાણભાઈ સુમરા, ગામના સરપંચશ્રી ચંદુભાઈ પટેલ, ગામના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ગામના આગેવાનો, ગ્રામજનો, પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષકગણ તેમજ માધ્યમિક શાળાના સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ પ્રસંગે વિશ્વ વસ્તી દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પરિવાર કલ્યાણ, માતા-બાળ આરોગ્ય, વસ્તી સ્થિરતા અને સ્વસ્થ સમાજના નિર્માણ અંગે ઉપસ્થિત નાગરિકોને માર્ગદર્શન
આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સૌના સહયોગ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.
આયોજકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, ગ્રામજનો તથા શિક્ષણ જગતના પ્રતિનિધિઓનો આભાર
વ્યક્ત કર્યો. “એક વૃક્ષ – અનેક પેઢીઓનું જીવન. આજે વાવેલું વૃક્ષ આવતીકાલના સ્વસ્થ અને હરિયાળા ભારતનો મજબૂત
આધાર છે.”