ગુજરાતમાં ચાંદીપુરાથી 11 બાળકનાં મોત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે બાળકોના મોતના સમાચારો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ જેમાં 13 જુલાઈ સુધીમાં કુલ 11 બાળકનાં મોત થયા છે. જેમાં 3 પોઝિટિવ અને 8 શંકાસ્પદ બાળકનાં મોત થયા છે. જ્યારે હાલ 2 પોઝિટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિગની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. કુલ 27 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 19 નમૂનાના પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જેમાંથી 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકી રહેલા 8 નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું બાકી છે, જે સાંજ સુધીમાં આવી જશે. ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે કુલ ત્રણ પોઝિટિવ બાળકોના દુખદ મૃત્યુ થયા છે, જે અંગે મંત્રીશ્રીએ બેઠકમાં દુ:ખ વ્યક્ત કરીને હવે રાજ્યમાં એકપણ બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ ન થાય તે અંગે સઘન કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મદદ લઈને રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાઇડલાઇન જાહેર કરી ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા જણાવાયું છે. નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે, જો આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદ સમય બગાડ્યા વિના બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં તુરંત જ દાખલ કરવામાં આવે, જેથી બાળકની કિંમતી જિંદગી બચાવી શકાય. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જો કોઈ બાળકમાં તાવ, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આ ઉપરાંત આરોગ્ય તંત્રને દવાઓ, ફાગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ આપવામાં આવ્યા છે.