કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે સાવચેતી અને તકેદારી માટે આરોગ્ય વિભાગ સતર્ક
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ (CHPV)ના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ, તાત્કાલિક સારવાર અને રિફરલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
મુખ્ય જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર અસર કરી શકે છે. તેથી માતા-પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરાવવા, ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા તથા રેતી માખી (Sand Fly) અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરોમાં તાવ અને Acute Encephalitis Syndrome (AES) જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આશા, એએનએમ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાંઓમાં ઘર-ઘર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
નાગરિકોને અપીલ:
બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો.
મચ્છરદાની અને જીવાતોથી બચવાના ઉપાયો અપનાવો.
ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવો.
બાળકને અચાનક તાવ, ઉલ્ટી, ખેંચ, બેભાન થવું અથવા અસામાન્ય વર્તન જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરો.
કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગે અફવાઓથી દૂર રહી માત્ર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને તમામ નાગરિકોને સાવચેતીના પગલાંનું પાલન કરવા અનુરોધ કર્યો છે.