બલૂચિસ્તાન હવે સ્વતંત્ર દેશ ? : 85 ટકા ક્ષેત્ર પર  બંડખોરોના કબજાનો દાવો 

copy image

copy image

પાકિસ્તાનને ઝાટકો આપતાં બલૂચિસ્તાને પોતાને આઝાદ દેશ તરીકે ઘોષિત કર્યો હોવાનો દાવો સોશિયલ મીડિયામાં કર્યો હતો. રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન નામથી વાયરલ થયેલા પત્રમાં કહેવાયું હતું કે, બલૂચિસ્તાનની સેનાએ ક્ષેત્રના 85 ટકા હિસ્સા પર કબજો કરી લીધો છે. આ સાથે જ દેશના ઝંડા  રાષ્ટ્રગાન,  નવું ચલણ અને પ્રશાસનિક વ્યવસ્થા લાગુ કરાઈ હોવાનો પણ દાવો કરાયો હતો. જો કે, વાયરલ લેટર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક મીડિયા હેવાલ અનુસાર , જારી કરાયેલા પત્રમાં દાવો કરાયો હતો કે, નવી સરકાર પાસે ક્ષેત્રના ખનિજ, ગેસ ક્ષેત્રો અને કોલસાની ખાણો પર સંપૂર્ણ નિયંત્રણ છે. તે ઉપરાંત પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ રાજીનામાં આપીને બલૂચિસ્તાનનો સાથ દેવાનો પણ ઉલ્લેખ કરાયો છે.અલબત્ત, હજુ સુધી કોઈ પ્રમુખ આંતરરાષ્ટ્રીય સંસ્થા કે માન્યતા પ્રાપ્ત સરકારે બલૂચિસ્તાનને એક સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપી હોવાની જાહેરાત કરાઈ નથી. નોંધનીય છે કે, બલૂચિસ્તાનમાં ઘણા લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાનની વિરુદ્ધ અનેકવાર વિરોધ પ્રદર્શન પણ થયાં છે. ત્યાંના લોકો આસિમ મુનીર અને શાહબાજ શરીફ વિરુદ્ધ નારા પણ પોકાર્યા હતા. તે વચ્ચે બલૂચિસ્તાને પોતાને આઝાદ દેશ ગણાવ્યો છે. બલૂચ વિદ્રોહીઓ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલા વધારી દીધા છે. પાકિસ્તાનના સંરક્ષણ અધિકારીઓ અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં 105થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી 71 આતંકવાદીઓ  7 જુલાઈથી શરૂ થયેલા ઓપરેશન શાબાન દરમિયાન માર્યા ગયા છે.