અત્યાચારો માટે પાકને જવાબદાર ઠરાવે વિશ્વ : ભારત
copy image

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં સરકાર વિરુદ્ધ દેખાવો વધુ તીવ્ર બની રહ્યા છે અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ અત્યાચાર પણ થઇ રહ્યા છે, ત્યારે ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, સ્થાનિક લોકોની વાજબી ફરિયાદો પર ધ્યાન આપવાને બદલે પાકિસ્તાની સરકાર તેમની સામે બર્બરતાપૂર્ણ વ્યવહાર કરી રહી છે અને દુનિયાએ પાકિસ્તાનને જવાબદાર ઠરાવવું જોઇએ. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, પીઓકેમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનો ત્યાંના લોકોના ગુસ્સાનું પરિણામ છે. તેઓ દાયકાઓથી પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના પ્રદેશમાં શોષણ, મૂળભૂત અધિકારોનો અભાવ અને વહીવટી અત્યાચારોનો ભોગ બન્યા છે. વધુમાં કહ્યું હતું કે, સ્થાનિક વસ્તીની વાજબી ફરિયાદોને સંબોધવાને બદલે પાકિસ્તાની સરકારે પોલીસ બર્બરતાનો આશરો લીધો છે. અધિકારીઓએ લાચાર મહિલાઓ અને બાળકોને નિશાન બનાવ્યા છે. ખોરાક અને દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રોકી દીધો છે, ઇન્ટરનેટ બંધ કરી દીધું છે અને નિ:શત્ર નાગરિકો પર ગોળીબાર કર્યો છે, જેના પરિણામે ઘણા લોકોના જીવ ગયા છે. અમને આશા છે કે, બાકીનું વિશ્વ આ ગંભીર અત્યાચારો અને દુષ્કૃત્યો માટે પાકિસ્તાનને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવશે. જોઇન્ટ આવામી એક્શન કમિટીએ 15 જુલાઇના મુઝફ્ફરાબાદ સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. કમિટીએ સમગ્ર પ્રદેશના લોકોને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. પીઓકેમાં તાજેતરની અશાંતિમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે. જેએએસીએ અહેવાલોને ટાંકીને કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાના ગોળીબારમાં વધુ બે સૈનિક માર્યા ગયા છે. પીઓકેમાં પાકિસ્તાની સેના દ્વારા ચાલી રહેલા ઓપરેશન વચ્ચે પ્રદેશમાં તણાવ વધી ગયો છે. પીઓકેમાં દેખાવો દરમ્યાન કેટલાક અગ્રણીઓએ ભારતની પણ મદદ માગી છે અને ક્યાંક ને ક્યાંક ભારતમાં જોડાવાનો સૂર પણ સંભળાઇ રહ્યો છે.