જય જગન્નાથના જયઘોષથી માધાપર ગુંજ્યું

કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ઉજવણી માધાપર ગામમાં વાજતે-ગાજતે થઇ હતી. જય જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના જયઘોષ સાથે નીકળેલી રથયાત્રાએ આકર્ષણ વધાર્યું હતું. માધાપર મધ્યે રથયાત્રાનું ભવ્ય આયોજન ભુજ નરનારાયણદેવ તાબાનાં સ્વામિનારાયણ પ્રસાદી મંદિર જૂનાવાસ-માધાપરએ કર્યું હતું. જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ સ્વામિનારાયણ મંદિર (ભાઇઓ) માધાપર નવાવાસથી થઇ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ જય જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના જયઘોષ સાથે  નીકળેલી રથયાત્રા રઘુનાથજી મંદિર પર રઘુનાથજી મંદિરના પ્રમુખ વેલજીભાઇ ભુડિયા અને ટ્રસ્ટીઓ દ્વારા હારારોપણ કરી પૂજા-આરતી કરી હતી. આ આકર્ષણરૂપ રથયાત્રા માધાપરના મુખ્ય માર્ગ પર શંકર મંદિર ચોકથી વથાણ ચોક થઇ બસ સ્ટોપ પાસેથી પ્રસાદી મંદિર જૂનાવાસ માર્ગે ફરી હતી. આકર્ષક રથયાત્રા નિહાળવા ઠેકઠેકાણેથી લોકો ઊમટયા હતા. શંકર મંદિર ચોક પર વિશાળ સંખ્યામાં હરિભક્તો, આગળના ભાગે બેન્ડ પાર્ટી અને બાળ રાસમંડળી વાજતે-ગાજતે ગામની મુખ્ય શેરીથી પસાર થઇ હતી. રથયાત્રાનો પ્રારંભ શ્રીફળ વધારી, આરતી કરી સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા. માધાપર-નવાવાસ સ્વામિ. મંદિરના ટ્રસ્ટી,નવાવાસ પંચાયતના સરપંચ વાલજીભાઇ ડાંગર, જિ. પંચાયત સદસ્ય , માધાપર-નવાવાસ સ્વામિ. મંદિરના માજી પ્રમુખ , માજી ટ્રસ્ટી , નવચેતન અંધજન મંડળ માધાપરના ખજાનચી ઉપસ્થિત રહ્યા હતા. જૂનાવાસ પ્રસાદી મંદિરના જાદવજીભાઇ વરસાણી, સંજયભાઇ ભુડિયા અને હરિભક્તો રથયાત્રામાં જોડાયા હતા. માધાપર નવાવાસ બહેનોના મંદિર પાસે સાંખ્યયોગી બહેનોએ જગન્નાથ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. રથ અરજણભાઇ ભુડિયાનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયો હતો.