બીઆઈએસ પ્રમાણિત પ્રેક્ટિસ અપનાવવાથી ગ્રાહકોનો વધુ વિશ્વાસ જીતી શકાય છે

ભારતીય માનક બ્યુરો (BIS), ગાંધીધામ શાખા કાર્યાલય, ઉપભોક્તા બાબતો વિભાગ, ઉપભોક્તા બાબતો મંત્રાલય, ભારત
સરકાર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ)ના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા
વધારવામાં માનકોની ભૂમિકા વિષય પર અર્ધ-દિવસીય સેમિનાર અને એમએસએમઈ મીટનું આયોજન ભુજ ખાતે કરવામાં
આવ્યું હતું.
ફોકિઆ અને બીઆઈએસના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય હેતુ ઉદ્યોગોને
બીઆઈએસ ધોરણો, પ્રમાણપત્ર પ્રક્રિયા, ગુણવત્તા અનુપાલન તથા પ્રમાણિત પ્રેક્ટિસ અપનાવવાના લાભો
અંગે જાગૃત કરવાનો હતો. આ દ્વારા ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરી ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બને
તેમજ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધે તેવો હેતુ હતો.
સેમિનારમાં ફોકિઆ તરફથી માન ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડના એ.વી.પી. શ્રી સંતોષ તિવારીની વિશેષ
ઉપસ્થિતિ રહી હતી. બીઆઈએસ ગાંધીધામ શાખાના સાયન્ટિસ્ટ-ઇ અને હેડ શ્રી રિતુરાજ સિંહે ઉત્પાદન
ગુણવત્તા, ગ્રાહક સુરક્ષા તથા નિયમનકારી અનુપાલનમાં બીઆઈએસ ધોરણોના મહત્વ પર પ્રકાશ પાડ્યો
હતો.
બીઆઈએસના સાયન્ટિસ્ટ-બી શ્રી વિશાલ ગોદારાએ બીઆઈએસ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા તથા
એમએસએમઈ માટે બીઆઈએસ પ્રમાણપત્રના લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે
એમએસએમઈ એકમોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા હતા. બીઆઈએસના
ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની શ્રી કરમદીપ જાડેજાએ ચાઇના ક્લે અને બેન્ટોનાઇટની તકનીકી વિગતો અંગે
માહિતીપ્રદ સત્ર રજૂ કર્યું હતું.
સેમિનારમાં શ્રી રિતુરાજ સિંહના સંચાલનમાં ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત
પ્રતિનિધિઓએ બીઆઈએસ પ્રમાણપત્ર અને લાઇસન્સિંગ પ્રક્રિયા અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. એક પ્રશ્નના
જવાબમાં શ્રી રિતુરાજ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં બીઆઈએસ પ્રમાણપત્ર અથવા લાઇસન્સ ફરજિયાત નથી
ત્યાં તે મેળવવાની કોઈ કાનૂની આવશ્યકતા નથી. તેમ છતાં તેમણે ઉદ્યોગોને સ્વૈચ્છિક રીતે પ્રમાણપત્ર
મેળવવા અથવા તેનું નવીનીકરણ કરાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેનાથી ગુણવત્તા
પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાય છે, ગ્રાહકોનો વિશ્વાસ વધે છે, વ્યવસાયિક વિશ્વસનીયતા મજબૂત બને છે અને
બજારમાં સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત થાય છે.
સેમિનારનું સંચાલન બીઆઈએસના સાયન્ટિસ્ટ-સી શ્રી અભિષેકે કર્યું હતું. ફોકિઆના સિનિયર એક્ઝિક્યુટિવ
શ્રીમતિ શિવાની ભગતે આભારવિધિ વ્યક્ત કરતાં તમામ મહેમાનો, વક્તાઓ, બીઆઈએસના અધિકારીઓ
તથા સહભાગીઓનો આભાર માન્યો હતો. તેમણે ફોકિઆની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે
સંસ્થા ગુણવત્તા ધોરણોને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમોનું આયોજન સતત કરતી રહેશે તથા ઉદ્યોગોના
ટકાઉ વિકાસમાં યોગદાન આપતી રહેશે.
કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગોના આશરે ૫૦ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સેમિનારના આયોજનમાં
ફોકિઆના જુનિયર એક્ઝિક્યુટિવ શ્રી પારસ સવાણી અને શ્રી ઓમ સોનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.