કચ્છ સરહદે ઘુસણખોરીની આશંકા !

દેશની પશ્ચિમ દરિયાઇ સરહદ પર સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હાઇએલર્ટ મોડ પર ગઇ છે. કચ્છના અત્યંત સંવેદનશીલ ગણાતા સિરકીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન બિન વારસુ પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી પાડી હતી. લાંબા સમય બાદ પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાંથી મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પ્ર્રાથમિક દ્રષ્ટિએ આ એક માછીમારી બોટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બોટમાંથી પ્રાથમિક તપાસ દરમ્યાન કોઇ શંકાસ્પદ કે વાંધાજનક સામગ્રી ન મળી હોવાનું સામે આવ્યું હતું. તેમજ બોટ પર કોઇ હાજર નહોતું. જોકે સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બી.એસ.એફ. અને અન્ય સુરક્ષાદળોએ તાત્કાલિક ધોરણે બોટનો કબજો લીધો છે. અને સમગ્ર ઇન્ચાર્જ તથા સરહદી વિસ્તારમાં સઘન સર્ચઓપરેશન શરૂ કરાયું છે. કચ્છનો દરિયા કાંઠો અને ક્રીક વિસ્તાર અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી અને દેશ વિરોધી તત્વોની ઘુસણખોરીના પ્રયાસોને કારણે ચર્ચામાં રહ્યો છે. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીઓ આ બોટ ભારતની સીમામા કયા ઇરાદાથી પ્રવેશી હતી ? શું બોટમાં સવાર પાકિસ્તાની નાગરીકોને કોઇ આતંકી તત્વો ભારતીય સીમામાં પ્રવેશી ચૂકયા છે ? બોટમાં કોઇ ગુપ્ત ખાનામાં હથીયાર, ડ્રગ્સ કે અન્ય કોઇ પ્રતિબંધિત સામગ્રી લાવવામાં આવી છે કે કેમ તે સહિતના પાસાઓ અંગે ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે. હાલ પૂરતું આસપાસના તમામ સંવેદનશીલ પોઇન્સ પર સુરક્ષા વ્યવસ્થા અભેધ બનાવી દેવામાં આવી છે. અને તમામ એજન્સીઓ પાકિસ્તાનની આ નવીનતમ હિલચાલ પાછળના રહસ્યને ઉકેલવા મથી રહે છે.