વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે ભુજ શારદા સ્કિલ સેન્ટર ખાતે ઇન્ટિગ્રેટેડ વેલનેસ કેમ્પ તથા આરોગ્ય જાગૃતિ સત્ર યોજાયું

વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે “Hepatitis: Let’s Break It Down” થીમ અંતર્ગત ભુજ સ્થિત શારદા સ્કિલ સેન્ટર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટિગ્રેટેડ વેલનેસ કેમ્પ તથા આરોગ્ય જાગૃતિ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓમાં હેપેટાઇટિસ, HIV, ક્ષયરોગ (TB) તથા જાતીય સંક્રમિત ચેપ (STI) અંગે વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવી, ગેરમાન્યતાઓ દૂર કરવી તેમજ સમયસર તપાસ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન શારદા સ્કિલ સેન્ટરના વિદ્યાર્થીઓને હેપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના ફેલાવાના માર્ગો, નિવારણના ઉપાયો, હેપેટાઇટિસ-બી રસીનું મહત્વ, સલામત જીવનશૈલી તથા સમયસર નિદાન અને સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત HIV, TB અને STI અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા અને પોતાના આરોગ્ય પ્રત્યે વધુ સજાગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા ક્ષય અધિકારી તથા જિલ્લા એઇડ્સ નિયંત્રણ અધિકારી, કચ્છ ડૉ. મનોજ દવેના માર્ગદર્શન તેમજ DISHAના સહયોગથી કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન HIV, RPR (સિફિલિસ) અને હેપેટાઇટિસ-બી માટે કુલ 16 લાભાર્થીઓનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી આરોગ્ય સલાહ, કાઉન્સેલિંગ અને અનુસરણ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના સફળ આયોજનમાં ઇલાબેન ગોસ્વામી, પૂર્વીબેન ગોસ્વામી અને આરતીબેન ગઢવીનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ઉપરાંત HCTS ટીમના કાઉન્સેલર રેખાબેન વિશ્વકર્મા, લેબોરેટરી ટેક્નિશિયન દિપ્તીબેન શુકલા તથા SSK મેનેજર નીતીનભાઈએ સક્રિય ઉપસ્થિતિ સાથે સમગ્ર કેમ્પની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન કરી હતી.

આ પ્રસંગે CSO શ્રી સુરેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત DISHA–DAPCU ટીમનો પણ નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો. શારદા સ્કિલ સેન્ટરના સંચાલન અને સ્ટાફ દ્વારા કાર્યક્રમ માટે ઉત્તમ આયોજન, સુવ્યવસ્થિત વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના સક્રિય સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે આવા સંકલિત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં હેપેટાઇટિસ, HIV, TB અને અન્ય સંક્રમિત રોગો અંગે જાગૃતિ વધે છે, સમયસર તપાસ અને સારવાર માટે લોકો પ્રેરિત થાય છે તેમજ સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે. આગામી સમયમાં પણ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાય સ્તરે આવા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.